બિહારના રક્સૌલમાં અનિરુદ્ધાચાર્ય મહારાજની કથામાં ભાગદોડ, લાઠીચાર્જ

બિહારના રક્સૌલ સ્થિત એરપોર્ટ પરિસરમાં જ્યારે પ્રખ્યાત કથાકાર અનિરુદ્ધાચાર્ય જી મહારાજની શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો, ત્યારે ભક્તિમય વાતાવરણ અચાનક ચીસાચીસ અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું…

બિહારના રક્સૌલ સ્થિત એરપોર્ટ પરિસરમાં જ્યારે પ્રખ્યાત કથાકાર અનિરુદ્ધાચાર્ય જી મહારાજની શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો, ત્યારે ભક્તિમય વાતાવરણ અચાનક ચીસાચીસ અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું હતું. મહારાજ જ્યારે કથા મંડપમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે તેમના દર્શન માટે ઉમટી પડેલા હજારો ભક્તોમાં અધીરાઈ વધી ગઈ હતી. મુખ્ય પ્રવેશદ્વાર પર ભીડ એટલી પ્રચંડ હતી કે લોકોએ જોર કરીને લોખંડનો મજબૂત દરવાજો પણ ઉખેડી નાખ્યો હતો. સ્થિતિ હાથબહાર જતી જોઈને ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂૂ કર્યો, જેના કારણે આખા મેદાનમાં ભાગદોડ મચી ગઈ હતી.

પોલીસના લાઠીચાર્જ અને લોકોની ધક્કામુક્કીમાં અનેક મહિલાઓ જમીન પર પછડાઈ હતી અને ઘાયલ થઈ હતી. આ ભાગદોડનું સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે બે માસૂમ બાળકો તેમની માતાઓથી વિખૂટા પડી ગયા. ભીડમાં પોતાના વહાલસોયા બાળકો ખોવાઈ જતાં માતાઓ રડતી-કકળતી અહીં-તહીં દોડતી જોવા મળી હતી, જેના કારણે કથાના પ્રારંભે જ વાતાવરણ ગમગીન બની ગયું હતું. કથા પંડાલની ક્ષમતા કરતા અનેકગણી મેદની ઉમટી પડી હોવાથી વહીવટીતંત્રની વ્યવસ્થા સાવ વામણી સાબિત થઈ હતી; હજારો લોકો મંડપની બહાર ઉભેલા ટ્રકો પર ચડીને કથા સાંભળવા મજબૂર બન્યા હતા.

બીજી તરફ, મંચ પરથી અનિરુદ્ધાચાર્ય મહારાજે ભક્તોને ધૈર્ય અને માનવતાનો સંદેશ આપ્યો હતો. તેમણે જીવનમાં સરળતા લાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે ભગવાનને મેળવવા કઠિન નથી, પણ પોતાને સરળ બનાવવા સૌથી મુશ્કેલ કામ છે. શબરીનું ઉદાહરણ આપી તેમણે સમજાવ્યું કે શુદ્ધ લાગણીઓ જ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે. જોકે, મહારાજના આ શાંતિ અને ત્યાગના સંદેશા વચ્ચે, બહાર બનેલી હિંસા અને કુવ્યવસ્થાએ અનેક સવાલો ઉભા કર્યા છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે જો આયોજન વધુ વ્યવસ્થિત હોત, તો ભક્તિના આ મહાકુંભમાં માસૂમ બાળકોએ રડવાનો વારો ન આવ્યો હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *