ભાવનગર શહેરમાં કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાડવા ની બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ બોરતળાવ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દરમિયાન પોલીસે બેનર ફાડનાર બે શખ્સોને ઝડપી લીધા છે.
ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ જાંબુચાએ ફરિયાદ નોંધાવેલ કે બગદાણા ગામના નવનીત બાલધિયાની સાથે મારામારીનો બનાવ બન્યો છે, જે બાબતમાં કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજનો આભાર માનવા માટે ન્યાય સભાનુ આયોજન કુંભારવાડા અક્ષરપાર્ક ખાતે મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ સભાના આયોજન બાબતે પ્રચાર માટે વિવિધ જગ્યાએ કોળી સમાજના સ્વયં સેવકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યાં હતા.
દરમિયાન સોશિયલ મીડિયામાં વીડિયો આવ્યો કે,બુધવારે મોડીરાતે સરીતા સોસાયટીનું નાકુ, સિંહણદીપ કોમ્પેક્ષ પાસે જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તે પોસ્ટર એક બાઈક પર અજાણ્યા શખસોએ આવી કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે દુશ્મનાવટ અને ધીક્કારની લાગણી અનુભવે તેમજ કોળી સમાજની લાગણીઓને નુકશાન પહોંચાડવાના હેતુથી દ્વેશ પૂર્ણ ઈરાદાથી ન્યાય સભાના પોસ્ટર ફાડી નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કૃત્ય કર્યું હતું. જે સંદર્ભે બોરતળાવ પોલિસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભાવનગરની બોરતળાવ પોલીસે સીસીટીવીના આધારે આ બનાવ માં વિશાલ ભનુભાઈ ઢીલા અને વિશાલ રાજુભાઈ કોતર નામના યુવકોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
