સમાજને દિશા આપતું વિશ્વસનીય માધ્યમ : અખબાર

આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે, તો પણ દૈનિક છાપાની કિંમત આજે પણ કરોડોમાં છે. સોશિયલ મીડિયામાં આવતા શબ્દો કરતાં…

આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, ટેક્નોલોજી હરણફાળ ભરી રહી છે, તો પણ દૈનિક છાપાની કિંમત આજે પણ કરોડોમાં છે. સોશિયલ મીડિયામાં આવતા શબ્દો કરતાં છાપામાં છપાયેલા શબ્દો એ સત્યની સૌથી પ્રામાણિક અભિવ્યક્તિ છે. કેમકે સોશિયલ મીડિયામાં એક સેક્ધડમાં હજારો સમાચાર આવતાં હોય છે, પણ શું એ બધું સત્ય હોય છે? ઘણીવાર લોકો માને છે કે, “અખબારનો સમય પૂરો થઈ ગયો.” પરંતુ સત્ય એથી સંપૂર્ણ વિપરિત છે. કેમકે અખબારનાં દરેક સમાચાર તપાસેલા, સંતુલિત, તટસ્થ અને જવાબદાર હોય છે.

દરરોજ કરોડો લોકોના હાથમાં પહોંચતા અખબાર દ્વારા સમાચાર એ રાષ્ટ્રની ચેતનાને જીવંત રાખે છે. દર વર્ષે 29 જાન્યુઆરીએ “ઈન્ડિયન ન્યૂઝ પેપર ડે” ઉજવાય છે જે અખબારના અદ્ભુત યોગદાનને સન્માન આપવાનો દિવસ છે. અખબારમાં છપાયેલા દરેક શબ્દો ફક્ત શબ્દો જ નથી, પણ તે આપણાં જ સમાજનાં વિચારો, ખામીઓ, અન્યાય, પ્રશ્નો, મૂલ્યો, આદર્શ, નીતિઓ, કાયદાઓ, ભ્રષ્ટાચાર અને સતાના દુરુપયોગને પ્રકાશમાં લાવે છે તેમજ સમાજમાં આવતા પરિવર્તનનું પ્રતિબિંબ છે. જેમકે ક્યાં શું ચાલી રહ્યું છે? ક્યાં અન્યાય થઈ રહ્યો છે? ક્યાં નિર્ણયો દેશને અસરકારક છે? કઈ પ્રતિભાઓ ભારતનાં ભવિષ્યને ઘડે છે? જેવાં અનેક સમાચાર લોકો સુધી પહોંચાડે છે.

એક દૈનિક અખબાર ગામથી શહેર, સામાન્ય નાગરિકથી મોટી સંસ્થાઓ, વિદ્યાર્થીઓથી શિક્ષણજગત એમ બધાને એકસાથે જોડે છે. અખબારમાં આવેલાં લેખ, સમાચાર કે જાહેરાતો તમને વિચારવા મજબૂર કરે છે. જેમકે આ ઘટના કેમ બની? કંઈ ભૂલો થઈ? આવા નિર્ણયોની અસર કોના પર પડશે? આવા તો અનેક પ્રશ્નોના આત્મચિંતન કરતાં જવાબો માણસને પરિપક્વ, સમજદાર અને ભારત પ્રત્યે વફાદાર અને જવાબદાર નાગરિક બનાવે છે. ઉપરાંત રોજ અખબાર વાંચવાથી ભાષા મજબૂત બને છે, શબ્દભંડોળ પણ વધે છે, જે લખવાની અને યોગ્ય શબ્દો વડે બોલવાની ક્ષમતા વધારે છે. જે વ્યક્તિ પોતાની માતૃભાષામાં સારી રીતે યોગ્ય શબ્દોમાં વિચાર કરી શકે તેને દુનિયા કંઈ પણ કરવા સમર્થ બનાવે છે.

દૈનિક સમાચાર આપણાં મનને ગામ, શહેર કે રાજ્યોથી બહાર લઈ જઈને રાજનીતિ, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન કે ટેક્નોલોજીની વિશાળ દુનિયા સુધીના સંદેશાઓ પહોંચાડે છે. સોશિયલ મીડિયામાં આવતા ફેક ન્યૂઝ એટલી ઝડપે ગતિ કરે છે કે તેને રોકવા પણ અસંભવ છે. જે માહિતી વિશ્વાસપાત્ર ના હોય તે દિમાગને ભટકાવે છે, સમાજને ગેરમાર્ગે દોરે છે તેમજ રાષ્ટ્રને નબળું પાડે છે. જયારે વિશ્વસનીય અખબાર મનને સ્થિર અને બેલેન્સમાં રાખે છે. રિલ્સ, પોસ્ટ કે મીમ્સ એ બધું મનોરંજન છે, જ્ઞાન નહીં.

આજના ઝડપી યુગમાં જો માણસ રોજની 15 મિનિટ પણ અખબારને આપે તો એની વિચારશક્તિ, ભાષા, પર્સનાલિટી, નોલેજ તેમજ ડિસિઝન પાવરફુલ બને છે. એક સામાન્ય વ્યક્તિ કરતાં છાપું વાંચનાર વ્યક્તિ દસ ગણો આગળ હોય છે. અખબાર જ ના હોત તો સમાજનાં અનેક સત્યો ક્યારેય બહાર જ ના આવ્યા હોત. એક દૈનિક છાપું સામાન્યમાં સામાન્ય માણસનો પણ અવાજ સત્તા સુધી પહોંચાડે છે. ઈન્ટરનેટની 5જીની ઝડપ વચ્ચે યુવાનો માટે ’તથ્ય’ અને ’અફવા’ વચ્ચે ભેદ કરવાનું સાચું સાધન જ અખબાર છે.

અખબાર એ વિચારનું શસ્ત્ર, જાગૃતિનો દીવો અને સમાજનો સદાકાળનો જ્ઞાનતંતુ છે. આથી અખબારનું મહત્વ માત્ર આજે નહીં, પરંતુ આવતી દરેક પેઢીઓ સુધી અખંડ રહેશે. “ઈન્ડિયન ન્યૂઝ પેપર ડે” એ માત્ર કોઈ ઊજવણી નથી, પણ આ દિવસે આપણે એ સંકલ્પ કરીએ કે હંમેશા સત્યને વાંચીએ, સત્યને સમજીએ તેમજ સમાજને પણ સત્ય તરફ દોરીએ. કેમકે અખબાર એટલે વિચાર, જાગૃતિ અને લોકશાહી જીવંત રાખવી.
આથી અખબાર સાચવવું, પ્રોત્સાહિત કરવું અને આગળની પેઢીઓને તેની પરંપરા સોંપવી એ આપણી સામૂહિક જવાબદારી છે. કારણકે જયારે અન્ય માધ્યમો અવાજ પહોંચાડે છે, ત્યાં અખબાર સત્ય પહોંચાડે છે. જ્યાં સુધી સત્ય જીવંત છે ત્યાં સુધી સમાજ સુસ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *