હાઇકોર્ટને ગુજરાતી આવડતું નથી, કોર્ટની ભાષા અંગ્રેજી

રાજકોટના એક વૃદ્ધ વ્યક્તિને હાઈકોર્ટ તરફથી પોતાનો કેસ જાતે રજૂ કરવા કોમ્પિટન્સ સર્ટિફિકેટ નહીં અપાતા તેને સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. જેને નકારી દેવાતા…

રાજકોટના એક વૃદ્ધ વ્યક્તિને હાઈકોર્ટ તરફથી પોતાનો કેસ જાતે રજૂ કરવા કોમ્પિટન્સ સર્ટિફિકેટ નહીં અપાતા તેને સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. જેને નકારી દેવાતા તેને ચીફ જજની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જો કે તે અપીલ અરજી પણ વિલંબથી ફાઇલ થઈ હતી. જેમાં પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત થયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેને અંગ્રેજી નથી આવડતું. જેથી કોર્ટ ઓથોરિટીએ તેને પોતાનો કેસ જાતે રજૂ કરવા પરવાનગી નથી આપી.

ચીફ જજે અરજદારને સમજાવ્યા હતા કે, કોર્ટની કાર્યવાહીમાં તમને નુકશાન ના થાય તેના માટે આ નિર્ણય લેવાયો છે. કોર્ટમાં કાયદાકીય ભાષા ચાલે છે, ભાષણબાજી નહિ. હાઈકોર્ટ તમને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછશે તે તમને નહીં આવડે અને ગુજરાતી હાઈકોર્ટને નથી આવડતું. હાઈકોર્ટ અંગ્રેજીમાં હુકમ કરશે જેથી તમને ખબર નહીં પડે કે તમારા કેસમાં શું થયું!

સામેના પક્ષકારોના વકીલ પણ અંગ્રેજીમાં રજૂઆત કરશે. તમે પ્રોસિડીંગ સમજી નહીં શકો, આ સામાન્ય વાતચીતની ભાષા નહીં આ કાયદાકીય ભાષા હોય છે. વળી તમે માત્ર ધોરણ 10 સુધી ભણેલા છો, એટલે તમારો કેસ તમે જાતે રજૂ નહીં કરી શકો. આ કોઈ ભાષણનો મંચ નથી. તમને વસ્તુઓને કાયદાકીય રીતે સમજતા આવવડવી જોઈએ. તમે કાયદો ભણ્યા નથી.

તમારા કેસની સુનવણીમાં કોર્ટનો સમયનો બગાડ થાય તેમ છે. તમે હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીમાં અરજી કરો કે તમારી પાસે પૈસા નથી તમને વકીલ આપે. કોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે ઉપસ્થિત થવાનો અધિકાર હોતો નથી, તે સંમતિ આપવી કે કેમ તે કોર્ટનો નિર્ણય હોય છે.

અરજદારે જણાવ્યું હતું કે, અગાઉ તેને સાંભળવામાં આવ્યો હતો. પહેલા તે એડવોકેટ રાખતો હતો પણ તેઓ તેની વાતને ન્યાય નહોતા આપતા. જિલ્લા અદાલતમાં અને સિવિલ કેસમાં તેઓ જાતે જ કેસ રજૂ કરે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તમે કેશ નહીં ચલાવી શકો, કાયદા સિવાય અહીં કોઈ વાત નહીં ચાલે. આ જિલ્લા કે સિવિલ કોર્ટ નથી. આ હાઇકોર્ટ છે, આ સાથે જ હાઇકોર્ટે અરજદારની અરજી રદ્દ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *