ભૂખ ,ઊંઘ,થાકને અવગણીને છ મહિનાની દીકરી સાથે આસિસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટની ટ્રેનિંગના પડકારને પાર કર્યો છે નિલિશાબેન વેકરિયાએ
“બધા ઊઠે તેના કરતા હું વહેલી ઉઠી જતી. પીટીમાં જતા પહેલા દીકરીને ફીડિંગ કરાવી લેતી.બપોરે દોઢ કલાકના બ્રેકમાં મારું જમવાનું રહી જાય તો ચાલે પણ દીકરીને ફીડ કરાવી અને સુવડાવી દેતી. ઘણી વખત રાત્રિના પણ ઉજાગરો થાય અને દિવસના ટ્રેનિંગ હોય એટલે આરામ ન મળતો આમ છતાં પરિવારના સાથના કારણે હું આ ટ્રેનિંગ સારી રીતે કરી રહી છું.” આ શબ્દો છે નિલિશાબેન વેકરિયાના જેઓ હાલ કોઇમ્બતુરમાં એસીએફ એટલે કે આસિસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટની ટ્રેનિંગ લઈ રહ્યા છે.6 મહિનાની દીકરીની કાળજી સાથે ટ્રેનિંગ પ્રત્યે તેમનું ડેડીકેશન અને પેશન જોઈને અન્યને પણ પ્રેરણા મળે છે. ખૂબ કઠિન અને સતત ચાલતી ટ્રેનિંગ સિંગલ કેન્ડિડેટને પણ અઘરી લાગતી હોય છે જ્યારે નિલિશાબેને ટબુકડી દીકરીની જવાબદારી સાથે પોતાની ફરજ બખૂબી નિભાવી હતી.
નિલિશાબેનનો જન્મ, ઉછેર અને અભ્યાસ રાજકોટમાં થયો.વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ઈસરોમાં એક વર્ષની એપ્રેન્ટીસ તાલીમ લીધી. 2014ની સાલથી જીપીએસસીની એક્ઝામ આપતા હતા. એક્ઝામ અને તૈયારી દરમિયાન જ ધોરાજી રવિભાઈ ઠેસિયા સાથે લગ્નગ્રંથિથી જોડાયા.પતિ પણ મામલતદાર હતા અને સાસુ સસરાનું ખૂબ પ્રોત્સાહન હતું.એ સમયે આરએફઓનું સિલેક્શન થયું અને તેની પણ ટ્રેનિંગ પૂર્ણ કરી. ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે પોસ્ટિંગ થયું. આરએફઓની ટ્રેનિંગ સાથે તેઓની આગળની તૈયારી ચાલુ જ હતી.આરએફઓની જોબ અને પાંચ મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારે જ એસીએફનું ઇન્ટરવ્યૂ આવ્યું અને સિલેક્ટ પણ થયા.તેઓ જણાવે છે કે ફોરેસ્ટની જોબમાં હંમેશા ફિઝિકલ ફિટનેસનું મહત્વ વધુ હોય છે.
આરએફઓની ટ્રેનિંગ જેવી જ ટ્રેનિંગ આવવાની હતી જેથી સાત મહિનાની પ્રેગ્નન્સી હતી ત્યારથી જ નોર્મલ ડિલિવરી થાય તેવા પ્રયત્ન કર્યા. નોર્મલ ડિલિવરી બાદ દોઢ મહિનામાં જ પાર્કિંગમાં, ગલીમાં વોકિંગ પ્રેક્ટિસ શરૂૂ કરી અને 12 કિ.મી. ની વોકિંગ ટેસ્ટ પણ પાસ કરી પણ માતૃત્વની ખરી કસોટી કોઇમ્બતુર ખાતે મુખ્ય ટ્રેનિંગ શરૂૂ થઈ ત્યારે આવી. દીકરી 6 મહિનાની હતી અને ફિડિંગ કરતી હતી.ટ્રેનિંગમાં કોઈ રિલેટિવને સાથે રહેવા મળે નહીં.અનેક રિક્વેસ્ટ કર્યા બાદ રિલેટિવને સાથે રહેવા પરવાનગી મળી જેથી સાસુ અને મમ્મી વારા ફરતી સાથે રહ્યા.છ મહિનાની દીકરી દસ મહિનાની થઈ ત્યાં સુધી સાથે રહ્યા અને ધીમે ધીમે બ્રેસ્ટ ફીડિંગ છૂટ્યું અને સોલિડ ફૂડ શરૂૂ થયું એટલે દીકરીને સાસુ સસરા પાસેે રાખીને ટ્રેનિંગમાં આવવાનું થયું.
આ સમય યાદ કરતા તેઓ જણાવે છે કે દીકરીથી અલગ રહેવું ખૂબ જ અઘરું છે.માતા તરીકે આ સંઘર્ષ આંખમાં આંસુ લાવી દેનારો છે પરંતુ મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પડે છે અને ખાસ તો દીકરીની પ્રેરણા બનવા માટે પણ હું આ સંઘર્ષ ખેડી રહી છું. મારું સૌભાગ્ય છે કે દાદા,દાદી અને નાના નાનીના હાથમાં દીકરીનો ઉછેર શ્રેષ્ઠ રીતે થઈ રહ્યો છે. અત્યારે દીકરી એક વર્ષની થઈ ગઈ છે પણ જ્યારે દીકરી સાથે હતી ત્યારે પણ દીકરીના કારણે ટ્રેનિંગમાં ઓફિસરને ફરિયાદનો કોઈ મોકો આપ્યો નથી.આમ બંને જવાબદારી બખૂબી નિભાવી તેઓ અનેક માટે પ્રેરણારૂૂપ બન્યા છે.
પોતાની સફળતાનું શ્રેય તેઓ પતિ રવિ ઠેસિયા, (જે હાલ અમદાવાદ ખાતે ડેપ્યુટી કલેક્ટર છે) તથા સાસુ ભાનુબેન,સસરા ગોબરભાઈ ઠેસિયા (જેઓ ધોરાજી ખાતે જાણીતા એડવોકેટ છે),જેઠ નિર્મલભાઈ,જેઠાણી ક્રિષ્નાબેન તથા માતા જાગૃતિબેન અને પિતા બાબુભાઈ વેકરિયા તથા મિત્રોને આપે છે.તેઓનું માનવું છે કે તેમના પ્રોત્સાહન,સાથ,સહકાર અને આશીર્વાદથી તેઓ હવે પછીની યાત્રા પણ સરળતાથી કરી શકશે. આરએફઓની જોબમાં કદાચ વીસ વર્ષે પ્રમોશન મળે અને એસીએફ સુધી પહોંચી શકાય પણ અહીં ડાયરેક્ટ સિલેક્શન થયું છે તો બે વર્ષ ભોગ આપ્યા પછી નોકરી સહેલી જ બનશે.પત્ની,પુત્રી કે પુત્રવધૂ કંઈક કરવા ઈચ્છે ત્યારે તેને સહકાર આપી કઈ રીતે તેને આગળ વધારી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ મારો પરિવાર છે.
ટ્રેનિંગ પછી પોતાની જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવવાનું તેમનું સ્વપ્ન છે એટલે ક્યારેક ગુજરાતના જંગલોમાં નિલિશાબેનને દીકરીને તેડીને ફરજ નિભાવતા જુવો તો પણ નવાઈ નહીં થાય.ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કઠિન ટ્રેનિંગનું રૂૂટિન હોય છે કંઈક આવું
ટ્રેનિંગની વાત કરતા તેઓએ જણાવ્યું કે એસીએફની ટ્રેનિંગ બે વર્ષની હોય છે. જેમાં હાલ મારા સાત મહિના પૂરા થઈ ગયા છે. ચાર મહિના ગુજરાતમાં ટ્રેનિંગ થશે તેમ જ 145 દિવસની ટુર કરવાની હોય છે જેમાં એક -એક મહિના દેશના જુદા-જુદા સ્થળો પરની ટુર હોય છે. દસ દિવસની વેપન ટ્રેનિંગ હોય છે તેમજ રૂૂટીનમાં રોજ સવારે છ વાગ્યે પીટી, સવારે 9:00થી 1:30 અને બપોરે 3:00 થી 4:30 લેકચર તેમજ સાંજે પાંચ થી છ દરમિયાન સ્પોર્ટ્સ અને આ બધા ઉપરાંત ફિલ્ડ વિઝિટ, ટ્રેકિંગ વગેરે તો ચાલુ જ હોય છે.ટાઢ,તડકો,વરસાદમાં પણ અમારી કામગીરી ચાલુ જ હોય છે.
બાળકો માટે તમે બનો પ્રેરણા
ઘણી બહેનો લગ્ન પછી અથવા તો બાળક થાય એટલે પોતાની કેરિયર છોડી દે છે. આવી મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે કેરિયર છોડતી વખતે ભવિષ્યનો વિચાર કરો. થોડો સમય તકલીફ પડશે પણ ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે. કોઈપણ ફરજ માટે સ્ત્રીઓને પ્રશ્નો અને સંઘર્ષ તો રહેવાના પરંતુ જો તમારે કંઈક કરીને દેખાડવું છે તો મક્કમ રહો. પ્રયત્ન કરશો ત્યારે નિષ્ફળતા ચોક્કસ મળશે પરંતુ તેનાથી હાર માનવને બદલે કંઈક કરી દેખાડો.બાળકો માટે પણ તમે પ્રેરણારૂૂપ બનશો
