માતા-પિતાની અવગણનાથી જન્મે છે વૃદ્ધાશ્રમ

સમય એ સૌથી મોટો શિક્ષક છે. જે આજે ખૂબ શક્તિશાળી પણ છે, કોઈ પણ નિર્ણય લેવા સક્ષમ અને સ્વતંત્ર પણ છે. આ સમય જ કાલે…

સમય એ સૌથી મોટો શિક્ષક છે. જે આજે ખૂબ શક્તિશાળી પણ છે, કોઈ પણ નિર્ણય લેવા સક્ષમ અને સ્વતંત્ર પણ છે. આ સમય જ કાલે નબળો બની જશે, સહારો પણ માગશે તેમજ પ્રેમની વધુ અપેક્ષા પણ રાખશે. આ એક અચલ અને કડવું સત્ય હોવા છતાં, આજનો સમાજ પોતાની વૃદ્વાવસ્થાની હકીકત અને જરૂૂરિયાત ભૂલી રહ્યો છે. રોજ બદલાતી જીવનશૈલી, પૈસાની અતિ લાલસા તેમજ સ્વાર્થી ભાવનાએ માણસને એટલો વ્યસ્ત બનાવી દીધો છે કે તેને પોતાના જ માતા – પિતાનો સમય, ત્યાગ, સમર્પણ કે પ્રેમ યાદ રહેતા નથી. યાદ રહે તો ફક્ત ને ફક્ત મોજ, મજા, સ્વતંત્રતા, પૈસો તેમજ હરવું ફરવું. આ ભૂલનું સાક્ષીસ્થાન એટલે જ વૃદ્ધાશ્રમ.

વૃદ્ધાશ્રમ એ એક ઈમારત કે માત્ર કોઈ સંસ્થા જ નથી, પણ અનેક અધૂરી લાગણીઓ, અનેક અધૂરા સપનાઓ, અનેક અરમાનો અને અનેક દુ:ખોની જીવતી જાગતી કહાની છે. ત્યાં રહેતા માતા – પિતાએ પોતાના હાથેથી બાળકોને મોમાં કોળિયા ખવડાવ્યા હશે, પોતે જ ચાલતા પણ શીખવ્યું હશે, પોતાના સંતાનો ખાતર કંઈ કેટલા સપનાઓને પણ નેવે મૂકયા હશે. આ વિચાર માત્ર હૈયું હચમચાવી મૂકે છે, તે ભારતની સંસ્કૃતિ અને સંસ્કારો પર પ્રશ્નચિન્હ મૂકે છે.

ભારતમાં આજે વધતા જતા વૃદ્ધાશ્રમો સામે આંખ આડા કાન કરી શકાય તેમ તો નથી જ, કેમકે તે આપણા સમાજ માટે ચેતવણી પણ છે. આજે આપણે જે પણ કરીશું એ કાલે આપણે પણ ભોગવવું જ પડશે. આપણા બાળકોને જે શીખવીશું એ શીખવા કરતાં આપણું અનુકરણ વધુ કરતા હોય છે. આવું દરેક લોકોએ અનુભવેલુ જ હશે. જો સમયસર અતિ આધુનિકતાની પાછળ આંધળી દોટ ના લગાવતા થોડા અમથા સંસ્કારોની લગામથી જો અટકીશું નહીં તો આપણે જ આપણા કરેલા કર્મો ભોગવવા પડશે.

ઘણાં વડીલો માટે વૃદ્ધાશ્રમ એ શાંતિનો ઓટલો પણ છે. કારણકે ઘણાં વડીલોને કોઈ સંતાન જ ના હોય, ઘણાં પોતે જ પોતાના સમવયસ્કો સાથે સમય વિતાવવા માગતા હોય, તો વળી ઘણાં વડીલોને પોતાના સંતાનો વિદેશના નાગરિક બની બેઠા હોય તેવા સંજોગોમાં વૃદ્ધાશ્રમનો સહારો ખૂબ આદરણીય બને છે. આજે ત્યાં પણ અનેક સુવિધાઓ મળવા લાગી છે. જેમકે, સમયસર સુપાચ્ય ભોજન, ધ્યાનપૂર્વક સારવાર, યોગ, પ્રાર્થના, અનેક આનંદદાયક રમતો, વાંચન, સત્સંગ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. પરિણામે વૃદ્ધજનોને જીવનમાં આનંદ, ઉલ્લાસ અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. આમ છતાં પણ પરિવારની હૂંફ અને લાગણી કોઈ સંસ્થાઓ અપાવી શકે નહીં, એ માનવું જ રહ્યું.

વાસ્તવમાં આપણી સમસ્યા વૃદ્ધાશ્રમનું હોવું એ નથી. કેમકે જો સંતાન પોતાની જવાબદારીથી બચવા માટે પોતાના માતા – પિતાને વૃદ્ધાશ્રમ મોકલે તો તે સરાસર ખોટું છે. જયારે પરિસ્થિતિ જ એવી હોય કે વૃધ્ધોને ત્યાં વધુ સુરક્ષા, યોગ્ય સંભાળ, એકલાપણાંનો અભાવ કે સન્માન મળે તો તેને અયોગ્ય કહી શકાય નહીં. અહીં મારું માનવું છે કે વૃદ્ધાશ્રમનો નિર્ણય મજબૂરીથી નહીં, સમજદારીથી લેવો જોઈએ. જે વડીલોની આગળ પાછળ કોઈ સંભાળ રાખનાર છે જ નહીં તેના માટે અતિ સારો વિકલ્પ છે. જયારે દીકરાઓ મોજ મજા કરતાં હોય અને વડીલોને કોઈ તૂટેલો સામાન સમજીને અવગણના કરે તો તેને સમાજે કે સરકારે આકરી સજા કરવી જોઈએ. પરિવાર અને જાગૃત સમાજની જવાબદારી છે કે વડીલોને ઘરમાં જ યોગ્ય સન્માન મળે અને વૃદ્ધાશ્રમ અંતિમ વિકલ્પ બને.

દરેક ઘરોમાં વડીલો માર્ગદર્શન અને અનુભવનો ભંડાર છે. જો તેઓ ઘરમાં જ હશે તો આજની ટેક્નોલોજી સાથે ઉછરતી પેઢી સંસ્કાર, સહનશીલતા, સંસ્કૃતિ અને જીવન જીવવાના અતિમૂલ્યવાન આદર્શો શીખી શકે છે. વૃદ્ધાશ્રમ તરફ વધતું જતું વલણ પરિવારનાં જોડાણને નબળા બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *