ભારત એક એવો દેશ છે જ્યાં સંસ્કૃતિ છે, શક્તિ છે, અનેક સંભાવનાઓ પણ છે છતાં વર્ષોથી સૌથી મોટી એક ખામી એ રહી છે કે, આપણે પોતાની જ ક્ષમતાને ઓળખી શકતા નથી. દરેકમાં ભગવાને કંઈક ને કંઈક અદ્ભૂત શક્તિ આપી છે, જે લોકો પોતાની ક્ષમતા અને શક્તિ ઓળખી લે છે એને અંબર આંબતા કોઈ રોકી શકતા નથી. આજે સરકાર “આત્મનિર્ભર ભારત” એક અભિયાન ચલાવી રહી છે જે નવી પેઢીને ઊંઘમાંથી જાગૃત કરવાની બુલંદ હાકલ કરે છે. જો સોશિયલ મીડિયામાંથી યુવાવર્ગ બહાર નીકળશે તો જ પોતાનો કિંમતી સમય યોગ્ય દિશાએ વાળી શકાશે.
ભારતના દરેક નાગરિકની વિચારસરણીમાં બદલાવ આવે તો જ ભારત આત્મનિર્ભર બની શકે. જેમ કે, ખેડૂતો ખેતીમાં નવી પદ્ધતિ અપનાવે, દરેક યુવાવર્ગ પોતાની બુદ્ધિક્ષમતા માપીને સ્ટાર્ટ અપ શરુ કરે, મહિલાઓ ઘરેથી જ ઉદ્યોગ ઉભા કરે, વિદ્યાર્થીઓ સ્વદેશી ટેક્નોલોજીનાં સપનાઓ જુએ આ બધું “આત્મનિર્ભર ભારત” નાં સ્વરૂૂપ છે. પ્રગતિ કોઈ કાંઠે નથી મળતી, એ તો પ્રયત્નોનાં ઊંચા પર્વતો ચઢીને મળે છે. ઘરના તમામ સભ્યો જો રોજગારી મેળવવાનું વિચારતાં થઈ જાય તો ભારતને આત્મનિર્ભર બનાવતાં કોઈ નહીં રોકી શકે. આપણાં સૌરાષ્ટ્રમાં ખાસ જૂની માનસિકતા હજુ અકબંધ પડી છે કે, સ્ત્રી ઘરના જ કામ કરે બહારના કામની જરૂૂર જ નથી. પુરુષ કમાય અને બાકીના ચાર સભ્યો ઘરમાં જ પડ્યા રહે.
ભારતની આર્થિક રચના ઘણી મોટી, જટિલ તેમજ અનેક સ્તરોમાં વહેંચાયેલી છે. છતાં એક કડવું સત્ય એ પણ છે કે સમાજમાં પૈસાનો પ્રવાહ સૌથી પહેલાં અમીરોના ખર્ચ અને રોકાણથી જ શરુ થાય છે. પૈસાની હેરાફેરી જેટલી વધુ એટલી જ વધુ રોજગારી સર્જાય છે. આપણે અવારનવાર આપણી જ સોસાયટીમાં સાંભળતાં હોઈએ છીએ કે, પેલા ભાઈએ તો લગ્નમાં અઢળક ખર્ચ કર્યો. મોંઘીદાટ કાર ખરીદી. આવા ખોટા ખર્ચ કરવાથી સમાજમાં દેખાદેખી પ્રવર્તે છે પરંતુ જેમની પાસે પૈસા છે તે પણ પૈસાને તિજોરીમાં ધરબી રાખશે તો પૈસો ફરશે કેમ?? તેમજ જો એ ખર્ચ કરશે તો જ ખેડૂત, મજૂર, કારીગર, ડ્રાઈવર, વેઈટર, ડિઝાઈનર, ટેક્નિશિયન, હોટલ, સજાવટ, કેટરિંગ કે ઈવેન્ટ પ્લાનર સૌને રોજીરોટી મળશે.
અમીરી ગરીબીનો ભેદભાવ આપણે જ કરીએ છીએ. ઘણાં પૈસાદાર વર્ગ દાન, સેવા, સંસ્થાઓ ચલાવવી જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. આજે મજૂર વર્ગ પણ પોતાનાં દમ પર સારી એવી આવક મેળવતો થયો છે. અહીં મારો કહેવાનો મતલબ એ જ છે કે, જે લોકો આવક પ્રમાણે ખર્ચ કરે છે તેમને કંઈ તકલીફ નથી પડતી. પૈસાદાર વર્ગ પૈસો વાપરે તો જ નાના માણસોને રોજીરોટી મળશે અને સૌ પગભર બનવા કોશિશ કરશે. વાક્ય સમજવામાં અને સાંભળવામાં કડવું જરૂૂર છે પણ સત્ય છે.
ભારતની સૌથી મોટી તાકાત યુવાનો છે. આજે વિશ્વ લેવલે અઢળક વસ્તુઓની નિકાસ યુવાનો કરતાં થયાં છે. પોતાની તાકાત, સપનાઓ, પોતાનાં વિચારો સાથે યુવાનો માત્ર નોકરી માગતો નથી પરંતુ બીજાને નોકરી આપતો થયો છે. સ્ટાર્ટઅપ, ટેક્નોલોજી તેમને કંઈક ઈનોવેશન લાવીને યુવાવર્ગ આર્થિક મજબૂત બનવા લાગ્યાં છે. દેશની અર્થવ્યવસ્થા જાળવવા સ્વદેશી વસ્તુઓ બને તેટલી વધુ વાપરવાનો આગ્રહ રાખીએ. આત્મનિર્ભર બનવું સહેલું તો નથી જ.
કેમ કે ક્યારેક મોંઘવારી વધે, ક્યારેક હરીફાઈ બજારમાં વધુ પડતી જોવા મળે, તો વળી ક્યારેક નિષ્ફળતાં પણ આવે, આવી અનેક વિકટ પરિસ્થિતિમાં ધીમે ચાલીએ, પણ પોતે ચાલીએ. પોતાની ક્ષમતાં પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂૂરી છે.
“આત્મનિર્ભર ભારત” એ સરકારનો કોઈ પ્રોજેક્ટ નથી પરંતુ તે જનતા, યુવાનો, કામદાર, ખેડૂતો, ઉદ્યોગપતિ તેમજ દરેક નાગરિકનું પોતાનું કૌશલ્ય, પોતાનું જ્ઞાન, પોતાનું ઉત્પાદન બજારમાં આવે તો જ ભારત મજબૂત બને. દરેક પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખીને માર્ગમાં આવતા અવરોધો પસાર કરતો જાય તો ભારતનું ભવિષ્ય જરૂૂર આત્મનિર્ભર બની જ શકે.
– રાજેશ્રી ઠુંમર
