આપણા દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી ટાણે જ પ્રદૂષણ વધવાની મોંકાણ મંડાય છે ને પ્રદૂષણને નાથવા માટે નક્કર પગલાં લેવાના બદલે બુદ્ધિનું પ્રદર્શન કરવાની હોડ પણ શરૂૂ થઈ જાય છે. દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા ને કેજરીવાલની પિન ઓડ-ઈવન પર ચોંટી ગયેલી એટલે પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે એવું જાહેર થાય એ સાથે જ કેજરીવાલ ઓડ-ઈવનનો તમાશો શરૂૂ કરી દેતા. કેજરીવાલની ઓડ-ઈવન ફોર્મ્યુલા જગજાહેર હતી તેથી તેના વિશે ઝાઝું કહેવાની જરૂૂર નથી પણ લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે એવું કહેવાય છે તેથી બે લીટીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલા સમજાવી દઈએ.
કેજરીવાલની ‘ઓડ-ઈવન’ કાર ફોર્મ્યુલા પ્રમાણે એક દિવસ રોડ પર એકી નંબર ધરાવતી કારો બહાર કાઢી શકાતી અને બીજા દિવસે માત્ર બેકી નંબરો ધરાવતી કારો જ બહાર કાઢી શકાતી. દિલ્હીનાં લોકોએ ઓડ-ઈવન’ કાર ફોર્મ્યુલા સહિતના તાયફાઓથી કંટાળીને કેજરીવાલને ઘરભેગા કરી દીધા ને ભાજપને સત્તા સોંપી પણ રેખા ગુપ્તાની ભાજપ સરકારે પણ બુદ્ધિનું પ્રદર્શન કરવાની પરંપરા જાળવી છે. રેખા ગુપ્તા સરકારે પ્રદૂષણને નાથવા માટે ક્લાઉડ સીડીંગનો સહારો લઈને બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું. વિજ્ઞાનીઓ કહી ચૂક્યા છે કે, ક્લાઉડ સીડીંગથી વરસાદ પડે તેના કારણે કામચાઉ રીતે પ્રદૂષણ ઘટે છે પણ કાયમી ઘટતું નથી. કૃત્રિમ વરસાદ પડે તેના કારણે થોડોક સમય રાહત લાગે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ઉમેરાવાની પ્રક્રિયા ચાલુ જ હોય તેથી સ્થિતિ પાછી એ જ થઈ જાય તેથી પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ સારો રસ્તો નથી છતાં દિલ્હી સરકારે એ રસ્તો અપનાવ્યો.
બીજું બુદ્ધિનું પ્રદર્શન એ કરાયું કે, વિજ્ઞાનીઓ નવેમ્બર મહિના અને ફેબ્રુઆરીથી મે દરમિયાનના સમયને ક્લાઉડ સીડિંગ માટે શ્રેષ્ઠ માને છે ત્યારે દિલ્હી સરકારે હરખપદૂડી થઈને ઓક્ટોબરમાં જ ક્લાઉડ સીડીંગનો તાયફો માંડી દીધો. આ બુદ્ધિના પ્રદર્શનમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થઈ ગયો કેમ કે 1.30 કરોડ રૂૂપિયાનું આંધણ કર્યા પછી વરસાદ જ ના વરસ્યો. વરસાદ ના વરસ્યો તેનું કારણ અણઘડ આયોજન છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) કાનપુરના વિજ્ઞાનીઓની દેખરેખ હેઠળ ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરાયેલો. બે વાર વિમાન મોકલીને વાદળો ઝડપથી બંધાય એ માટેની પ્રક્રિયા કરાયેલી પણ વરસાદ ના પડતાં વગર પાણીએ સવા કરોડ રૂૂપિયાથી વધારે ધોવાઈ ગયા. તેની સામે આપણે બે વાર પ્રયત્ન કર્યા ને બંને વાર નિષ્ફળ ગયા.
આઈઆઈટી દેશની ટોચની સંસ્થા છે અને તેના વિજ્ઞાનીઓને પ્રયોગ કર્યા પછી ભેજનું પ્રમાણ ઓછું હતું એ વાતની ખબર પડે એ સ્થિતી કેટલી દયનિય કહેવાય ? આ સાયન્સ અને ટેક્નોલોજીના જમાનામાં ભેજનું પ્રમાણ કેટલું છે એ ગણતરીની મિનિટોમાં જાણી શકાય ને આપણા મહાન સંશોધકોને પ્રયોગ કરતાં પહેલાં ભેજનું પ્રમાણ જોઈએ એટલું નથી આ વાતની ખબર જ નહોતી એ સાંભળીને હસવું કે રડવું એ જ ખબર પડતી નથી.
