કમાન્ડોને કહ્યું… આમ તો સાહેબનું બહુ ધ્યાન રાખતા હતા, ગઇકાલે કેમ ન રાખ્યું ?
નિવાસ સ્થાને ભાજપના નેતાઓ-અધિકારીઓ-પરિવારજનોની હાજરી
અમદાવાદમા સર્જાયેલ વિમાન દૂર્ઘટનામાં રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દૂ:ખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. આજે સવારે તેમના પત્ની અંજલીબેન રૂપાણી લંડનથી અમદાવાદ આવી પહોંચતા એરપોર્ટથી તેમને સીધા ગાંધીનગર નિવાસે લઇ જવામા આવ્યા હતા જયાં પરિવારજનોની હાજરીમા અંજલીબેનનાં હૈયાફાટ રૂદનથી અતિ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
અંજલીબેન રૂપાણી ગઇકાલે સાંજે જ લંડનથી અમદાવાદ આવવા નીકળી ગયા હતા. તેઓ લંડનથી દૂબઇ અને ત્યાંથી મુંબઇ પહોંચ્યા હતા. મુંબઇથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા જયારે તેમનો પુત્ર ઋષભ પણ અમેરિકાથી આવતીકાલ સુધીમા અમદાવાદ આવી પહોંચનાર છે.
અંજલીબેન રૂપાણી સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારે તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. નિવાસ સ્થાને અંજલીબેન રૂપાણીનાં હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયુ હતુ. અંજલીબેન રૂપાણીએ વિજયભાઇ રૂપાણીનાં કમાન્ડોને સંબોધીને જણાવ્યુ હતુ કે, ‘આમ તો સાહેબનુ તમે બહુ ધ્યાન રાખતા હતા…. કાલે કેમ ન રાખ્યુ ?’ આટલુ કહી તેઓ ધ્રૃસ્કે ધ્રૃસ્કે રડી પડયા હતા.
ગાંધીનગર ખાતેનાં નિવાસે મોટી સંખ્યામા વિજયભાઇનાં પરિવારજનો, ભાજપનાં આગેવાનો તથા અધિકારીઓ હાજર રહયા હતા અને અંજલીબેનને સાંત્વના પાઠવી હતી.રાજકોટથી ડો. ભરતભાઇ બોઘરા, ભૂપતભાઇ બોદર, મુકેશભાઇ દોશી, અમૂક કોર્પોરેટરો, ધારાસભ્યો વિગેરે ગાંધીનગર હાજર રહયા હતા. સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતનાં નેતાઓ પણ હાજર રહયા હતા.
એરપોર્ટથી સીધા હોસ્પિટલે જવા જીદ કરી
અંજલીબેન રૂપાણી આજે સવારે લંડનથી અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા ત્યારે તેની સાથે વિજયભાઇના પારીવારીક મિત્ર નીતિનભાઇ ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ આવી પહોંચ્યા હતા. ચાર્ટર્ડ ફલાઇટમાંથી ઉતરતાની સાથે પહેલા અંજલીબેને હોસ્પિટલે જવાની જીદ કરી હતી. પરંતુ નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ તેમને પ્રથમ ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા બાદ હોસ્પિટલે જવા સમજાવ્યા હતા. એરપોર્ટ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હર્ષ સંઘવી, પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ પણ હાજર હતા. તેઓ સાંત્વના આપી અંજલીબેન રૂપાણીને ગાંધીનગર નિવાસ સ્થાને લઇ ગયા હતા.
વડાપ્રધાનને જોતા જ અંજલિબેન ભાંગી પડયા
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુ:ખદ અવસાન થતા અને અન્ય 250 જેટલા લોકોના પણ કરૂણ મોત થતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેમણે ઘટના સ્થળની મુલાકાત લઇ હોસ્પિટલે પહોંચી ઘવાયેલા લોકોના ખબર અંતર પુછયા હતા. આ દરમિયાન તેઓ એરપોર્ટ ખાતે સ્વ. વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીને પણ મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી. અંજલીબેન રૂપાણી વડાપ્રધાનને જોઇને રીતસર ભાંગી પડયા હતા અને ધ્રૃસ્કે ધ્રૃસ્કે રડી પડયા હતા. આ સમયે વડાપ્રધાનની આંખો પણ ભરાઇ આવી હતી. તેમણે અંજલીબેનને સાંત્વના પાઠવી પોતાને તથા પરિવારને હિંમતપુર્વક સંભાળવા પણ સલાહ આપી હતી.
