માનહાનિ કેસના ફરિયાદી સત્યાકી સાવરકરે હકીકતો છૂપાવી હોવાનો આક્ષેપથી વિવાદ વકરવાના એંધાણ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુણેની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટમાં એક સનસનાટીપૂર્ણ અરજી દાખલ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, જમણેરી નેતા વિનાયક સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના સંબંધી હતા અને તેમની વચ્ચે લોહીનો સંબંધ હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, ફરિયાદી સત્યાકી સાવરકરે (જેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે) પોતાની ફરિયાદમાં આ હકીકત કોર્ટ સમક્ષ છુપાવી હતી.
એડવોકેટ મિલિન્દ પવાર મારફતે દાખલ કરાયેલી અરજીમાં રાહુલ ગાંધીએ દલીલ કરી છે કે, સત્યાકી સાવરકર અશોક સાવરકરના પુત્ર છે, જેઓ વિનાયક સાવરકરના ભત્રીજા હતા. આ હકીકત ફરિયાદીએ પોતે રેકોર્ડ પર મૂકી છે. જોકે, રાહુલ ગાંધીએ કહ્યું કે, સત્યાકીએ એ હકીકત છુપાવી છે કે તેમની માતા હિમાણી, નથુરામ ગોડસેના સગા ભાઈ ગોપાલ ગોડસેની પુત્રી છે – આ બંને મહાત્મા ગાંધીની હત્યા કરવા બદલ દોષિત ઠર્યા હતા.
અરજી અનુસાર, સત્યાકીએ પોતાની ફરિયાદ સાથે ફક્ત પિતૃપક્ષનો વંશવેલો જ રજૂ કર્યો છે, પરંતુ માતૃપક્ષનો વંશવેલો જાહેર કર્યો નથી, જેના કારણે તેઓ (સત્યાકી) ગોપાલ ગોડસેના (માતૃપક્ષના) પૌત્ર છે તે હકીકત રેકોર્ડ પર આવી નથી. અરજીમાં જણાવાયું છે કે, આ માહિતી મુજબ, તેમની (સત્યાકીની) માતા હિમાણી મૂળભૂત રીતે અને જન્મથી ગોડસે પરિવારના છે. તેમ છતાં, ફરિયાદીએ ઇરાદાપૂર્વક, વ્યવસ્થિત રીતે અને ખૂબ જ ચાલાકીપૂર્વક તેમના માતૃપક્ષના વંશવેલાને છુપાવ્યો છે. આ કેસમાં અંતિમ નિર્ણય લેવા માટે આ એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે.
અરજીમાં વધુમાં આરોપ મુકાયો છે કે, સત્યાકીએ ઇરાદાપૂર્વક એ હકીકત પણ દબાવી દીધી છે કે સાવરકર પણ મહાત્મા ગાંધીની હત્યાના કેસમાં પસહ-આરોપીથ હતા, પરંતુ પુરાવાના અભાવે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નહોતા પરંતુ નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ ઐતિહાસિક તથ્યોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગોડસે અને સાવરકર બંને હિંદુ રાષ્ટ્રના કટ્ટર સમર્થક હતા અને ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અયોગ્ય માનતા હતા. અરજીમાં જણાવાયું છે કે કેવી રીતે તેમણે મહાત્મા ગાંધીને વિભાજન દરમિયાન મુસ્લિમો પ્રત્યે નરમ માનતા તેમની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આ અરજી મૂળભૂત રીતે ફરિયાદીની એ દલીલ સામે છે કે રાહુલ ગાંધીએ લંડનમાં એમ કહીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો કે સાવરકરે તેમના પુસ્તકમાં લખ્યું હતું કે કેવી રીતે તેઓ અને તેમના મિત્રો એક મુસ્લિમ યુવક પર હુમલો કરવામાં આનંદ લેતા હતા. સ્પેશિયલ જજ અમોલ શિંદેએ હવે ફરિયાદી સત્યાકી સાવરકરને આ અરજીનો જવાબ આપવાનો આદેશ કર્યો છે, જેનાથી આ કેસમાં વધુ રાજકીય અને ઐતિહાસિક વિવાદ વકરવાની શક્યતા છે.
દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત અને મુસ્લિમ વિરોધી લેખન
અરજીમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે સાવરકર દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતના મુખ્ય પ્રણેતા હતા, જેણે હિંદુઓ અને મુસ્લિમોને અલગ રાષ્ટ્રો તરીકે દર્શાવ્યા હતા, જેને બાદમાં મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ સમર્થન આપ્યું હતું. સાવરકરના 1937માં વ્યક્ત કરાયેલા અને 1943માં વધુ મજબૂત બનેલા મંતવ્યો, બે સમુદાયોના વિભાજન અને તેમની અલગ ઓળખ પર ભાર મૂકતા હતા, એક પરિપ્રેક્ષ્ય જેણે ભારતના આખરી વિભાજનનો પાયો નાખ્યો, તેમ અરજીમાં જણાવાયું છે.
