પહલગામ હુમલામાં ખોટી ટિપ્પણીને કારણે ચર્ચામાં આવેલી યુટ્યુબર નેહા સિંહ રાઠોડ સામે રવિવારે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધી લેવામાં આવ્યો. આ મામલે હજરતગંજના એસીપી વિકાસ જાયસવાલે કહ્યું કે આ મામલે અભય પ્રતાપ સિંહે એફઆઈઆર નોંધાવી હતી.
અભયસિંહે એફઆઈઆરમાં કહ્યું કે 22 એપ્રિલે પહલગામમાં પાક. સમર્થિત આતંકી સંગઠન દ્વારા ખાસ કરીને હિન્દુ પર્યટકોને તેમનો ધર્મ પૂછી ગોળી મારી દેવામાં આવી હતી. આ મામલે લોકગાયિકા તથા કથિત કવિયત્રી આંબેડકરનગરની હીડી પકડિયા વતની નેહા સિંહ રાઠોડે તેના એક્સ હેન્ડલ પર અનેક વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે નેહા સિંહે અનેકવાર ટ્વિટ કરીને પહલગામ મુદ્દે મોદી સરકાર સામે સવાલો ઊઠાવ્યા હતા અને તેમાં પોસ્ટ પણ મૂકી હતી કે શું આવી ઘટનાઓ પર વડાપ્રધાનને સવાલો ન પૂછી શકાય? હુમલાના ત્રીજા જ દિવસે પીએમ મોદી બિહારમાં રેલી કરવા ગયા તો એની સામે પણ નેહા સિંહે સવાલો ઊઠાવ્યા હતા.
એટલું જ નહીં, તેમના નિવેદનો પાકિસ્તાનમાં વાઈરલ થઈ રહ્યા છે. ઉપરાંત, નેહાસિંહ રાઠોડની પાકિસ્તાનમાં પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાની મીડિયામાં ભારત વિરુદ્ધ બધા જ રાષ્ટ્ર વિરોધી નિવેદનોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગાઝિયાબાદના લોની વિધાનસભા મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે નેહા વિરુદ્ધ લોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
