ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા વધુ એક રાજકીય મોરચો ખુલે તેવા નિર્દેશો મળી રહ્યા છે. કોળી સમાજ આગામી દોઢેક માસમાં જ મોટો ધડાકો કરે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના જસદણમાં થોડા દિવસ અગાઉ સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન ઋષીભારતી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ ટેક્સ ભરનારો સમાજ કોળી સમાજ છે. જોકે તેમને વાત વાતમાં એવું પણ કહ્યું હતું કે કોળી સમાજનો એક રાજકીય પક્ષ હોવો જોઈએ જેથી અન્યાય સામે લડવું અને એ પક્ષ થકી ગુજરાતમાં કોળી સમાજનું વર્ચસ્વ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવે. જોકે તેમના નિવેદન બાદ કોળી સમાજના આગેવાનો આ અંગે સહમત થયા હતા અને અલગ અલગ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓ આ પક્ષ સાથે જોડાશે તેવી અટકળો વહેતી થઇ છે.
કોળી સમાજ હવે આગામી સમયમાં ગુજરાતમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી રાજકારણમાં જંપ લાવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષના નામની જાહેરાત પણ ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર કરશે.
આગામી દોઢ મહિનાની અંદર જ કોળી સમાજ અને ઠાકોર સમાજનું એક પોતાની પાર્ટીનું નામ જાહેર થવા જઈ રહ્યું છે જેને લઈને જયેશ ઠાકોરે સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરીને પોતાની વાત મૂકી હતી.
કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી દોઢ મહિનામાં કોળી અને ઠાકોર સમાજની એક રાજકીય પાર્ટીની શરૂૂઆત થશે. આ પહેલા સમાજના આગેવાનોને પહેલ કરતા કહ્યું કે તાલુકા અને જિલ્લાના તમામ કમિટી મેમ્બરો દ્વારા કોળી અને ઠાકોર સમાજના જે જે લોકો સમાજના સંગઠન સાથે નથી જોડાઈ શક્યા તેમને એક કરવા માટેની પહેલ કરી છે. જોકે તમામ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 1 મહિનાની અંદર કોળી અને ઠાકોર સમાજની કમિટી નક્કી કરશે કે કોળી અને ઠાકોર સમાજની રાજકીય પાર્ટીનું નામ શું રાખવું અને તે નામ આગામી દોઢ મહિના બાદ જાહેર કરવામાં આવશે.
