ગેરકાયદે ભારતીયોને હાથકડી, પગે સાંકળ બાંધી રવાના કર્યા મામલે બબાલ પછી વિદેશમંત્રીનું નિવેદન: 2012થી અમેરિકા આ પ્રક્રિયા કરી રહયું છે, માનવ તસ્કરી સામે પગલાં લેવાશે
ગુજરાત મિરર,
નવી દિલ્હી તા. 6
ભારતમાં ગેરકાયદેસર વસાહતીઓ પરત ફર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને પરત લેવા દેશોની જવાબદારી ગણાવી હતી. બુધવારે જ, 100 થી વધુ ભારતીયો, જેમને અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જાહેર કરવામાં આવ્યા હતા, તેઓ પંજાબના અમૃતસર પરત ફર્યા હતા. એ પછી સોશ્યલ મીડીયામા અમેરિકાના વર્તન સામે રોષ ભભુકી ઉઠયો હતો. વિપક્ષો પણ ભારત પાછા ફરવાની પદ્ધતિઓને લઈને જોરદાર વિરોધ કરી રહ્યા છે.
એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું, …તે તમામ દેશોની જવાબદારી છે કે તેઓ તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદે રહેતા હોય તો તેમને પરત લઈ જાય.થ તેમણે એમ પણ કહ્યું છે કે દેશનિકાલની પ્રક્રિયા નવી નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી મિલિટરી એરક્રાફ્ટ મારફતે 104 ભારતીયો ગઇકાલે અમૃતસર પરત ફર્યા હતા.
વિદેશ મંત્રીએ કહ્યું, અમેરિકા દ્વારા દેશનિકાલનું કામ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા કરવામાં આવી રહ્યું છે. SOP કે જેના પર ICE કામ કરે છે તે વર્ષ 2012 થી અસરકારક છે. તે બાંધી રાખવાની વાત કરે છે. અમને ICE દ્વારા કહેવામાં આવ્યું છે કે મહિલાઓ અને બાળકોને બાંધવામાં આવ્યા નથી.
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે ભારતીય ઈમિગ્રન્ટ્સ અમાનવીય સ્થિતિમાં ફસાયેલા છે. ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તેમના વતન પરત મોકલવામાં આવે છે. આપણા ઘણા નાગરિકો ભૂલથી અમેરિકા પહોંચી ગયા હતા. ગેરકાયદેસર વસાહતીઓને પાછા લાવવા પડ્યા. તેને પહેલીવાર લાવવામાં આવ્યો નથી.
દેશનિકાલ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે તે કાનૂની સ્થળાંતરને સમર્થન આપવા અને ગેરકાયદેસર સ્થળાંતરને નિરુત્સાહિત કરવા માટે છે. ગેરકાયદેસર વસાહતીઓ ત્યાં અમાનવીય સ્થિતિમાં ફસાયેલા હતા. ગેરકાયદેસર વસાહતીઓને પાછા લઈ જવા પડ્યા. અમે દેશનિકાલના મુદ્દે અમેરિકન સરકાર સાથે સતત સંપર્કમાં છીએ જેથી ભારતીયો સાથે કોઈ અમાનવીય વર્તન ન થાય.
તેમણે કહ્યું કે દેશનિકાલ કંઈ નવી વાત નથી. વિદેશ મંત્રીએ 2009 થી અત્યાર સુધીના આંકડાઓ પણ ગણાવ્યા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવે છે. તેમણે જાહેર કર્યુ કે માનવ તસ્કરીમા રોકાયેલા લોકો તથા એજન્ટો સામે કાર્યવાહી કરાશે.
સંસદ પરિસરમાં હાથકડી પહેરી વિપક્ષી સાંસદોનો વિરોધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દેશનિકાલ નીતિને લઈને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકામાં રહેતા ભારતના 104 ભારતીયોને પણ મોકલવામાં આવ્યા છે. વિપક્ષી નેતાઓ આને લઈને સંસદમાં હાથકડી પહેરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત તમામ વિપક્ષી નેતાઓ સંસદના મકર ગેટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ, કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ અને અન્ય વિપક્ષી નેતાઓ હાથકડી પહેરીને સંસદમાં વિરોધ કરતા જોવામા આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયો વિશે કહ્યું કે તેઓ સપનું બતાવી રહ્યા હતા કે ભારત વિશ્વ લીડર બની ગયું છે પરંતુ સરકાર હવે મૌન છે. અમેરિકાએ ભારતીયોને સાંકળોથી ગુલામ બનાવીને મોકલ્યા. વિદેશ મંત્રાલય શું કરી રહ્યું છે?