સંસદના શિયાળુ સત્રના બે દિવસ સંપૂર્ણ રીતે હોબાળાને કારણે વેડફાઈ ગયા. ગૌતમ અદાણીના મુદ્દે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો યથાવત્ રાખ્યો હતો. કોંગ્રેસ આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. જો કે હવે આ મુદ્દે I.N.D.I.A. ગઠબંધનમાં મતભેદ સર્જાયા છે. આ મામલે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ અલગ વલણ અપનાવ્યું છે અને પક્ષના નેતાઓએ સંસદમાં અન્ય મુદ્દા ઉઠાવવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો છે.
પાર્ટીની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, ટીએમસી ઇચ્છે છે કે સંસદ ચાલે જેથી લોકોના મુદ્દા ઉઠાવી શકાય. અદાણી મુદ્દે સંસદમાં હોબાળાને પગલે અન્ય ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી નથી.
લોકસભાના સભ્ય કાકોલી ઘોષ દસ્તીદારે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ટીએમસી ઇચ્છે છે કે સંસદ કાર્યરત રહે. અમે નથી ઇચ્છતા કે કોઈ એક મુદ્દો સંસદને પ્રભાવિત કરે. આપણે આ સરકારને તેની નિષ્ફળતાઓ માટે જવાબદાર ઠેરવવી જોઈએ.
તૃણમૂલ કોંગ્રેસની રણનીતિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિપક્ષના પ્રહારો કરતા અલગ છે. ટીએમસી પશ્ચિમ બંગાળમાં કુપોષણ, બેરોજગારી, મણિપુર, ઉત્તર-પૂર્વની સ્થિતિ, ખાદ્ય ચીજોની અછત અને અપરાજિતા (મહિલા સુરક્ષા) બિલના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવા માંગે છે.