બિહારમાં વાવાઝોડા સાથે વીજળી ત્રાટકતાં 8નાં મોત

વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, કલાકો સુધી ટ્રાફિક જામ બિહારમાં ગઇકાલે સાંજે હવામાનમાં આવેલા અચાનક પલટાએ વ્યાપક તબાહી મચાવી છે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ અને…

વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, કલાકો સુધી ટ્રાફિક જામ

બિહારમાં ગઇકાલે સાંજે હવામાનમાં આવેલા અચાનક પલટાએ વ્યાપક તબાહી મચાવી છે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે. કુદરતી આફતના કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો ઉખડી જવાથી અને વીજ પુરવઠો ખોરવાઈ જવાથી સામાન્ય જનજીવન ખોરવાયું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે મોડી સાંજે રાજધાની પટના સહિત સમસ્તીપુર, પૂર્વ ચંપારણ, ભોજપુર અને વૈશાલી જિલ્લાઓમાં જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું. અહેવાલો અનુસાર, વીજળી પડવા અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે પટના, ભોજપુર અને વૈશાલીમાં જાનહાનિના સમાચાર મળી રહ્યા છે. પટનાના ગરદાનીબાગ વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ પડવાથી બે લોકો તેના નીચે કચડાઈ ગયા હતા.

રાજધાની પટનામાં વાવાઝોડાની અસર સૌથી વધુ જોવા મળી હતી. હાઈકોર્ટ સંકુલ, બિરચંદ પટેલ માર્ગ અને વિદ્યાપતિ માર્ગ જેવા મુખ્ય વિસ્તારોમાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. સચિવાલય સંકુલમાં આશરે 50 વર્ષ જૂનું વૃક્ષ પડતા અફરાતફરી મચી ગઈ હતી. રસ્તાઓ પર વૃક્ષો અને હોર્ડિંગ્સ પડવાને કારણે કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પરિસ્થિતિને પહોંચી વળવા માટે પટના મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબર 155304 જારી કર્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ક્યાંય પણ ઝાડ પડવાની કે પાણી ભરાવાની સમસ્યા હોય તો તુરંત જાણ કરવી જેથી રાહત કામગીરી ઝડપી બનાવી શકાય.

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મૃતકોના આશ્રિતોને પ્રત્યેકને 4 લાખ રૂૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમએ વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે રસ્તાઓ સાફ કરવા અને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા નિર્દેશ આપ્યા છે. સાથે જ રાજ્યના લોકોને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા અને પ્રતિકૂળ હવામાનમાં સુરક્ષિત સ્થળે રહેવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *