શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ પર જાતીય શોષણના આરોપ લગાવ્યા બાદ હવે આક્ષેપ કરનાર આશુતોષ પાંડે પોતે જ શંકાના દાયરામાં આવી ગયા છે. પ્રયાગરાજ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે, પરંતુ તપાસમાં આશુતોષ પાંડેનો ભૂતકાળ અત્યંત વિવાદાસ્પદ હોવાનું બહાર આવ્યું છે.કોણ છે આશુતોષ પાંડે ઉર્ફે ’આશુ’?
આશુતોષ પાંડે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાંધલાનો રહેવાસી છે. તે માતા શાકુંભરી દેવી ભવન મંદિરનો મેનેજર હોવાનો દાવો કરે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેનું અસલી નામ અશ્વિની શર્મા છે, પરંતુ વર્ષ 2006માં મુઝફ્ફરનગરના તત્કાલીન જજઙ આશુતોષ પાંડેથી પ્રભાવિત થઈને તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું.સ્થાનિક રહેવાસીઓ અને પીડિતોના જણાવ્યા અનુસાર, આશુતોષ પાંડે એક રીઢો ગુનેગાર અને છેતરપિંડી કરનાર વ્યક્તિ છે. તેની સામે કાંધલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, જમીન પચાવી પાડવી અને ખોટા કેસ કરવાના અંદાજે 27 કેસ નોંધાયેલા છે. સ્થાનિકોનો આરોપ છે કે તે લોકો પર જાતીય શોષણના ખોટા કેસ કરી મોટી રકમ પડાવે છે. તેનો નાનો ભાઈ વિનીત પણ હિસ્ટ્રીશીટર રહી ચૂક્યો છે.
તે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મોટા સાધુ-સંતો સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને લોકોમાં પોતાનો રોફ જમાવે છે. મુકેશ નામના એક પીડિતે જણાવ્યું કે, આશુતોષે તેનું મકાન પચાવી પાડવા માટે તેના પર અને તેની બહેન પર જાતીય શોષણના ખોટા કેસ કર્યા છે. અન્ય એક પીડિત વિજયે જણાવ્યું કે આશુતોષના ડરને કારણે તેણે પોતાનો મહોલ્લો છોડીને પલાયન થવું પડ્યું છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યોનું કહેવું છે કે આ આરોપો માત્ર પૈસા પડાવવા અને સનાતન ધર્મના વડાને બદનામ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું છે.
