કર્ણાટકના ચિત્રદૂર્ગમાં રોંગસાઇડથી આવતા ટ્રકે સ્લીપર બસને અડફેટે લેતા આગમાં 17 મુસાફરો ભડથું
તમિલનાડુમાં સરકારી બસનું ટાયર ફાટતા બે કાર સાથે અથડાઇ, 9 મુસાફરોના મોત
દક્ષિણ ભારતમાં આજે વહેલી સવારે બે અકસ્માતની અલગ-અલગ ઘટનામાં 26 જેટલા લોકના કરૂણ મોત થયા છે. કર્ણાટકના ચિત્રદૂર્ગ જિલ્લામાં નેશનલ હાઇવે-48 પર રોંગસાઇડથી આવતા ટ્રકે સ્લીપર બસને અડફેટે લેતા બસમાં આગ લાગી હતી અને બસમાં સવાર 17 મુસાફરો ભડથું થઇ ગયા હતા. જયારે તમિલનાડુમાં સરકારી બસનું ટાયર ફાટતા બે કારને અડફેટે લીધી હતી અને 9 જેટલા લોકોના મોત થાય હતા.
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જ્યાં બસમાં આગ લાગવાથી 17 મુસાફરો જીવતા બળી ગયા છે. ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તમામ ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક ટ્રક અને એક ખાનગી સ્લીપર બસ એટલી ભયંકર રીતે અથડાઈ કે બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ, જેમાં સવાર તમામ 17 લોકોના મોત થયા છે.
બુધવારે મોડી રાત્રે, ચિત્રદુર્ગ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર ગોરલાથુ ક્રોસ નજીક, એક ઝડપી ટ્રક ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી સ્લીપર બસ સાથે અથડાઈ. બસ રસ્તાની વચ્ચે આગમાં સળગી ગઈ. મુસાફરો કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ બસ આગમાં લપેટાઈ ગઈ. ટ્રક હિરિયુરથી બેંગલુરુ જઈ રહી હતી અને બસ બેંગલુરુથી શિવમોગા જઈ રહી હતી.
આ અકસ્માતમાં બસમાં સવાર 17 મુસાફરો બળીને ખાખ થઈ ગયા. અન્ય ઘણા ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે. ઘટનાની માહિતી મળતાં, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળે તપાસ કરી. હિરિયુર ગ્રામીણ પોલીસ સ્ટેશને આ અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે. બસમાં 15 મહિલાઓ અને 14 પુરુષો મુસાફરી કરી રહ્યા હતા.
એવું જાણવા મળ્યું છે કે બસમાં 29 મુસાફરો હતા, જે કુલ 32 સીટો પર હતા. અકસ્માત દરમિયાન, બસ ડ્રાઇવર, કંડક્ટર અને કેટલાક મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડ્યા હતા. આ અકસ્માતમાં લોરી ડ્રાઇવર કુલદીપનું પણ મૃત્યુ થયું હતું. બેંગલુરુના રહેવાસી ગગન શ્રી-રશ્મિ અને ગોકર્ણાની રહેવાસી રક્ષિતા બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 30 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
24 ડિસેમ્બરની રાત્રે સરકારી બસ સાથ બે વાહનોની ટક્કર થતાં સાત લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટતાં આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટાયરમાં બ્લાસ્ટ થતાં જ બસ રોડની વિરુદ્ધ દિશામાં જતી રહી હતી જ્યાં બે વાહનો એક જઞટ અને એક કાર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં 9 લોકોના કાળને ભેટયા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટાયર ફાટવાને કારણે સરકારી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે, મૃતકોની ઓળખ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને રાહદારીઓએ ઘટનાસ્થળે ઝડપથી બચાવ કામગીરી હાથ ધરી હતી, અને ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
યુપીમાં ગરબી રથ એકસ્પ્રેસની અડફેટે બાઇક ચડતા 5 કચડાયા
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બુધવારની સાંજે દર્દનાક દુર્ઘટના સર્જાઇ છે. રોજા રેલવે સ્ટેશન પાસે આવેલા માનવ રહિત રેલવે ક્રોસિંગને પાર કરતી વેળાએ બાઇક સવાર લોકો ગરીબ રથ એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા હતા. રેલવેની ટક્કર એટલી ભીષણ હતી કે બે બાળકો સહિત પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે હાજર લોકોના કાળજા કંપી ઉઠયા હતા.
મૃતકોના શરીરના ટુકડાઓ રેલવે ટ્રેક પર પડ્યા હતા. સૂચના મળતા જે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ 40 વર્ષીય હરિઓમ, તેમના સાળા સેઠ પાલ, વિકન્ના નિગોહી (શાહજહાંપુર) ના રહેવાસી, સેઠ પાલના 35 વર્ષીય પત્ની પૂજા અને તેમના બે બાળકો તરીકે થઈ છે. તેમણે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
