ઘરની ધોરાજી સમજી હોર્ડિંગ્સ-બેનર ખડકનાર 19 શાળા દંડાઇ

એક બેનર-હોર્ડિંગ્સ-પોસ્ટરના મનપાએ નિયત કરેલા ચાર્જ કરતા પાંચ ગણી રકમનો દંડ ફટકારાયો વાહનના શો-રૂૂમ, જ્વેલર્સ, કોમ્પ્યુટર ક્લાસીસ સહિતની કુલ 32 પેઢીઓ મનપાની ઝપટમાં આવી ગઇ…

એક બેનર-હોર્ડિંગ્સ-પોસ્ટરના મનપાએ નિયત કરેલા ચાર્જ કરતા પાંચ ગણી રકમનો દંડ ફટકારાયો

વાહનના શો-રૂૂમ, જ્વેલર્સ, કોમ્પ્યુટર ક્લાસીસ સહિતની કુલ 32 પેઢીઓ મનપાની ઝપટમાં આવી ગઇ

રાજકોટમાં જે રીતે સરકારી પ્લોટ કે ટીપી રોડને અમુક ભુમાફિયાઓ કબજો કરવા માટે નિશાન બનાવે છે તેમ તોતીંગ ફી વસુલતી સ્કુલ, કોલેજ, એકેડેમી, ક્લાસીસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મફતની જાહેરાત કરવા માટે મનપાના ટ્રાફિક સર્કલ, ડિવાઇડર કે થાંભલાને પોતાની ઘરની પેઢી સમજતા હોય તેમ આડેધડ હોર્ડિંગ્સ બોડ, પોસ્ટર અને બેનર ખડકી દે છે. આવી 19 શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય ખાનગી એકમ સહિત 32 પેઢીને મનપાએ મોટો દંડ ફટકાર્યો છે. મનપાએ એક બેનર, હોર્ડિંગ્સ કે પોસ્ટરદીઠ જે કાયદેસરનો ચાર્જ નક્કી કર્યો છે તેનાથી પાંચ ગણી રકમનો દંડ વસુલવા તમામને નોટિસ ફટકારવામા આવી છે.

મનપાની ચૂંટણી વખતે રાજકીય બેનર, હોર્ડિંગ્સ અને ઝંડીઓ ઉતારવા માટે જગ્યા રોકાણ શાખા કામે લાગી હતી તેમ હાલ નવુ શૈક્ષણિક સત્ર વેકેશન ચાલતુ હોય તેની જાહેરાત માટે જાહેર સ્થળો પર મનપાની મંજૂરી વગર આડેધડ મોટા હોર્ડિંગ્સ, બેનર અને મનફાવે તેવી જગ્યાએ પોસ્ટરના ખડકલા કરી દેવામા આવી છે. સામન્ય રીતે આ રીતે જાહેરાત કરવા માટે મનપાની મંજૂરી લેવી ફરજિયાત છે. મનપાએ નક્કી કરેલો ચાર્જ ચુકવવો પડે છે.

પરંતુ મનપાની એક-બે અને ત્રણ કરીને અસંખ્ય જગ્યાએ મફતમાં ખડકી દેવાયેલી આવી જાહેરાતો સામે મનપાની જગ્યા રોકાણ શાખાના અધિકારી બારૈયા અને તેમની ટીમે ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના તમામ રાજમાર્ગો, મેઇન રોડ પરના ટ્રાફિક સર્કલ, ડિવાઇડર અને સોસાયટી વિસ્તારોમાં ચેકીંગ માટે ટીમ ઉતારવામા આવી છે. એ દરમિયાન સ્કુલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સહિત 32 પેઢીઓ મનપાની નજરમાં ચડી ગઇ છે. આ તમામને નિયત ચાર્જ કરતા પાંચ ગણી રકમ એટલે કે જેમનો ચાર્જ 5 હજાર હોય તેને સીધો જ 25 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે.

દંડ નહીં ભરે તો તેમના મિલકતવેરામાં રકમ ચડાવી દેવાશે

બીપીએમસી એક્ટ મુજબ મનપા પાસે જોગવાઇ છે કે નોટિસમાં જણાવાયેલી મુદત સુધીમાં દંડની રકમ ભરપાઇ કરવામા નહીં આવે તો આ રકમ સીધી જ જે તે પેઢી જ્યા કાર્યરત છે તેના મિલકત વેરામાં ચડાવી દેવામા આવે. જો ભાડેની જગ્યામાં ચાલતી હશે તો મિલકતના મુળ માલિકને પણ નોટિસ ફટકારીને તેની જાણ કરી દેવામા આવશે.

આટલી સંસ્થા, પેઢીઓને ફટકારાયો આકરો દંડ

* વિરાણી સ્કુલ
* જ્ઞાનધારા વિદ્યામંદિર
* મહાત્મા ગાંધી સ્કુલ
* નક્ષત્ર સ્કુલ
* ભુષણ સાયન્સ સ્કુલ
* ફેશન મંત્રા એક્ઝિબિશન
* ઇરા એજ્યુકેર
* એસ.કે.પી. સ્કુલ
* ડિસ્કવર સ્ટડી પોઇન્ટ
* ફિશન ઇવી
* ઓમ ટીવીએસ
* મોશન એજ્યુકેશન
* સિયારામ જવેલર્સ
* ધ કોસ નીટ એકેડેમી
* સારથી એજ્યુકેશન
* રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ
* ટાગોર વિદ્યા સંકુલ
* નીટ ગુરૂૂ એકેડેમી
* ઇ.ડી.યુ. બ્લિસ
* ગુરુકુળ સ્વામીનારાયણ
* સાત ફિટીનસ્પાયર
* બોરાનિયા આઇ.એ.એસ.
* સ્પીડ કોમ્પ્યુટર
* નિર્મલ્ય ડેન્ટલ કેર
* મેપલવુડ પ્રિ-સ્કુલ
* એસ.જી.વી.પી. ગુરુકુળ
* ધ કોટા કલ્પર સ્કુલ
* અમ્બિકા વિદ્યાલય
* સહજાનંદ વિલેજ
* શિવમ સ્ટડી પોઇન્ટ
* સુભમ સ્કુલ
* વિઝડમ સ્કુલ