ટુવ્હિલર ઉપર બે બળદને કતલ માટે કઇ રીતે લઇ જવાય? કોર્ટે ઉઠાવ્યો સવાલ

પોલીસે કબજે કરેલુ વાહન મુક્ત કરવા આદેશ અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે એક અનોખો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે બળદને ટુ-વ્હીલર પર લઈ જવું શક્ય…

પોલીસે કબજે કરેલુ વાહન મુક્ત કરવા આદેશ

અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે એક અનોખો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે બળદને ટુ-વ્હીલર પર લઈ જવું શક્ય જ નથી, તેથી ગાયકતલના કેસમાં સીઝ કરાયેલું વાહન માલિકને પરત આપવું જોઈએ.
કેસની વિગતો મુજબ, 6 ડિસેમ્બર 2025ના રોજ શાહેરકોટડા પોલીસે મધુભાઈ મિલ કમ્પાઉન્ડમાં એક અનધિકૃત સ્લોટરહાઉસની માહિતી મળતાં રેઇડ કર્યું હતું. પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ બે બળદો લાવ્યા હતા. રેઇડ દરમિયાન એક બળદનું કતલ કરી લેવાયું હતું અને બીજો જીવિત મળ્યો હતો.

પોલીસે સાત આરોપીઓની અટકાયત કરી હતી, જેમાં બાપુનગરના ફૈસલ શેખનો સમાવેશ થાય છે. આ સાથે પાંચ ટુ-વ્હીલર અને એક ઓટોરિક્ષા સહિત છ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓ પર ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ સહિત અન્ય કાયદાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જામીન મેળવ્યા બાદ ફૈસલ શેખે ઘીખંટા કોર્ટમાં ટુ-વ્હીલર પરત મેળવવા અરજી કરી હતી, પરંતુ 3 એપ્રિલે તે અરજી નકારી કાઢવામાં આવી હતી. આ અરજી સિટી સેશન્સ કોર્ટમાં પહોંચી. વકીલે દલીલ કરી કે વાહનનો અપરાધમાં સીધો અથવા આડકતરો ઉપયોગ થયો નથી અને તે પોલીસ સ્ટેશનમાં કાટ ખાઈ રહ્યું છે. જ્યારે સરકાર પક્ષે વિરોધ કર્યો હતો.

સુનાવણી બાદ કોર્ટે કહ્યું, અપરાધ બે બળદો ખરીદવા અને એકનું કતલ કરવાનો છે. સ્વાભાવિક છે કે બળદને ટુ-વ્હીલર પર લાવી શકાય જ નહીં. ઋઈંછમાં પણ આ વાહનને પ્રાણીઓના પરિવહનમાં વાપરવાનો કોઈ આરોપ નથી. તે રેઇડ સ્થળે પડેલું હતું. ટ્રાયલ કોર્ટનો આદેશ ખોટો છે. કોર્ટે વાહનની કિંમતના 1.5 ગણા બોન્ડ પર વાહન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.