જામનગરના પંચેશ્વર ટાવર નજીક એક ક્રેટા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર રસ્તા પર પાર્ક કરાયેલા 4 થી 5 ટુ-વ્હીલર તેમજ એક રિક્ષાને અડફેટે લેતા તમામ વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી માહિતી એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વાહનોને થયેલા નુકસાન અંગે ચર્ચા-વિચારણા બાદ મામલો શાંત પડ્યો હતો. અને લોકોના ટોળા વિખેરાયા હતા.
બિયર સાથે શખ્સ પકડાયો
જામનગર શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે હરીયા સ્કૂલ પાસે જાહેર રોડ પર દરોડો પાડી સ્કૂટરની ડેકીમાં બિયરનો જથ્થો લઈ જતાં એક યુવાનને ઝડપી પાડ્યો છે. પોલીસે આકાશ મધુભાઈ મેથાણીયા (ઉ.વ. 18), રહે. ગોકુલનગર, શેરી નં. 8/4, જામનગરને સફેદ-વાદળી રંગના જ્યુપિટર સ્કૂટર સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્કૂટરની ડેકીમાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 24 ટીન મળી આવ્યા હતા. પોલીસે બિયરનો જથ્થો અને સ્કૂટર સહિત કુલ રૂપિયા 33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
