રાજકોટ ઝૂમાં જન્મેલા 17 સાવજો ગુજરાત બહાર ડણકે છે

નેશનલ ઝૂ ઓથોરિટીની એકસચેન્જ ઓફર હેઠળ વનરાજો સામે અન્ય પ્રાણીઓ મેળવ્યા રાજકોટનું ઝૂ સાવજોના બ્રીડીંગ સેન્ટર તરીકે સફળ રહ્યું છે. ઝૂના આંગણે બંધાયેલા સાવજોના પારણામાંથી…

નેશનલ ઝૂ ઓથોરિટીની એકસચેન્જ ઓફર હેઠળ વનરાજો સામે અન્ય પ્રાણીઓ મેળવ્યા

રાજકોટનું ઝૂ સાવજોના બ્રીડીંગ સેન્ટર તરીકે સફળ રહ્યું છે. ઝૂના આંગણે બંધાયેલા સાવજોના પારણામાંથી ઉછેરેલા 17 ડાલામથ્થાઓને નેશનલ ઝૂ ઓથરિટીની એક્સચેન્જ સ્કીમ હેઠળ હૈદરાબાદ, પંજાબ, લખનઉ, ભીલાઇ અને મૈસુર મોકલાયેલા છે. તેની સામે રાજકોટ ઝૂને મોઢે માગ્યા નવા નવા પ્રાણીઓ મળ્યા છે. આમતો સોરઠ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર એશિયાટિક લાઇનનું મુખ્ય ઘર છે.

જૂનાગઢ, ગીર, સાસણ, ભાવનગર, અમરેલી, ધારી, મેંદરડા, ઉના, ગીરગઢડા, તુલસીશયામ સહિતના પંથક સાવજોનો પંથક ગણવામા આવે છે. જો કે રાજકોટની ધરતી અને અને અહીંનું વાતાવારણ પણ એશિયાટિક લાઇન માટે બધી રીતે અનુકુળ છે. આનંદની વાત એ છે કે, રાજકોટની ધરતી પર જન્મ્યા હોય તેવા 17 સાવજોની ડણક હાલ ગુજરાતના સીમાડા ઓળંગી દેશના અન્ય શહેરોમાં સંભળાઇ રહી છે.
રાજકોટ ઝૂમાં કોઇપણ વિસ્તારમાંથી સિંહ અને સિંહણ અલગ અલગ રીતે લઇ આવવામા આવે તો પણ અહીંના વાતાવરણની અસરરૂૂપે બન્ને વચ્ચે ‘મેળાપ’ થઇ જાય છે.

રાજકોટ ઝૂમાં અત્યાર સુધીમાં 49 સિંહનો જન્મ થયો છે. તેમાથી અત્યાર સુધીમાં 17 સાવજોને ગુજરાત બહારના ઝૂમાં એક્સચેન્જ સ્કીમ હેઠળ મોકલવામા આવ્યા છે અને તેના બદલામાં બહારના પ્રદેશમાં જ જોવા મળતા હોય તેવા પ્રાણીઓમાં રીંછ, વાઘ, શાહમૃગ, સફેદ વાઘ સહિતના પ્રાણીઓ રાજકોટ ઝૂને મળ્યા છે.
રાજકોટ ઝૂના સુપ્રિ.ડો. હીરપરાએ આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, રાજકોટ માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે, અહીંની ધરતી પર જન્મ લીધો હોય એવા સાવજો હાલ પંજાબ, લખનઉ, ભીલાઇ, હૈદરાબાદ, મૈસુરમાં ડણકી રહ્યા છે.

ઝૂ સુપ્રિ. ડો.હીરપરાના જણાવ્યા મુજબ નેશનલ ઝૂ ઓથોરિટીની એક્સચેન્જ યોજનામાં રાજકોટથી અન્ય ઝૂને સિંહ આપી તેના બદલામાં અન્ય પ્રાણીઓ મેળવવાનું 2009ની સાલથી શરૂૂ કરાયું હતું. એ પછી અત્યાર સુધીમાં 17 સાવજોને ગુજરાત બહારના રાજ્યોમાં મોકલી અપાયા છે. જેમા વિરલ, ક્રિસ, હેત, યશ, ગીગો, ગગન, હેલી, ક્રેઝી, કુબેર હીર, નીલ, સૈમ્ય નામના આ સાવજોના સંવનનથી ગુજરાત બહાર પણ એશિયાટિક લાઇનની વસતી વધી છે.

સિંહ ટાબરિયાના નામકરણમાં પણ રાજકોટવાસીઓનો ફાળો
રાજકોટ ઝૂમાં સિંહને ત્યાં પારણુ બંધાય એટલે ઝૂ સ્ટાફ અને સાથે રાજકોટાસીઓ માટે ખુશીનો એક અનેરો અવસર બની જાય છે. સિંહ ટાબરિયાને પીંજરામાં ખુલ્લા ક્યારે મુકવામા આવે છે તેની લોકો આતુરતાથી રાહ જોવે છે અને જેવા ખુલ્લા મુકવામા આવે એ સાથે આ સિંહ ટાબરિયાના ગેલ-ગમ્મતને જોવા માટે સાવજપ્રેમીઓ ઉમટી પડે છે. નવજાત એવા આ સિંહ ટાબરિયાનું નામ રાખવા માટે ઝૂ સતાધિશો રાજકોટવાસીઓ પાસેથી નામ મંગાવે છે. સર્વશ્રેષ્ઠ નામ પસંદ કરી નામ સુચવનાર નાગરિકને પ્રોત્સાહિત કરવામા આવે છે.

આજી ડેમ ઝૂ ઉપરાંત વાંકાનેર પાસેની વીડીમાં સંવનન કેન્દ્ર
અગાઉ આજી ડેમ ખાતે મનપાનું પ્રાણી સંગ્રહાલય હતુ. સિંહ, વાઘ, રીંછ, દીપડા સહિતના પ્રાણી અને પક્ષીઘર આ એક જ સ્થળે હતુ. એ પછી શહેરની ભાગોળે લાલપરી-રાંદરડા વચ્ચે 137 એકર જેટલા ઘેરાવામાં આવેલી ટેકરી પર કુદરતી વાતાવારણ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રદ્યુમનપાર્ક ઝૂ બનાવવામા આવ્યું. આ નવુ ઝૂ બન્યા બાદ આજી ડેમ ખાતે ખાલી થયેલા ઝૂને સાવજોના બ્રીડીંગ સેન્ટર(સંવનન) માટે અલાયદુ રાખવામા આવ્યું છે. રાજકોટ ઉપરાંત વાંકાનેર પાસેની વીડીમાં પણ સિંહ સંવનન કેન્દ્ર બનાવવામા આવ્યુ છે.

રાજકોટની ધરતી પર ક્યારે કેટલા સિંહબાળ જન્મ્યા
વર્ષ   –    સિંહબાળ
1992-93  બે
2004-05  બે
2006-07 એક
2007-08 સાત
2008-09 છ
2009-10 ચાર
2011-12 નવ
2013-14 પાંચ
2014-15 દસ
2016-17 ત્રણ
2022-23 એક
2025-26 બે
2026 27 ત્રણ

 

સિંહના બદલામાં સફેદ વાઘ, હિમાલયન રીંછ, શાહમૃગ સહિતના નવા પ્રાણી રાજકોટને મળ્યા
અમુક પ્રાણીઓ એવા છે કે, રાજકોટવાસીઓ માટે જોવા કદાચ દુલર્ભ બની શકત. સફેદ વાઘ, હીમાલયન રીંછ, શાહમૃગ જેવા પ્રાણી જોવા માટે રાજકોટવાસીઓને અન્ય પ્રદેશમાં જાવુ પડત. થેન્કસ ટુ રાજકોટમાં જન્મેલા સાવજોને, એકસચેન્જ ઓફર હેઠળ અન્ય ઝૂ પાસેથી મેળવીને રાજકોટમાં જન્મેલા સાવજોએ રાજકોટના ઝૂને હર્યુભર્યુ કર્યુ છે.