પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી, આગળ વધવા ઘણી બીજી લાઈનો છે: લાલુ માલવિયા

પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજનો વિવાદ હજી તો માંડ શાંત પડ્યો હતો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતા વિવાદ…

પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજનો વિવાદ હજી તો માંડ શાંત પડ્યો હતો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતા વિવાદ સર્જાયો છે. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર ’નો એન્ટ્રી’ સાથે બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકો પણ મેદાને આવ્યા છે અને તેમણે વાલીઓને ચોંકાવનારી અપીલ કરતા કહ્યું છે કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે.

રિદ્ધિ રાજપરાના આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દાને લઈને જાણીતા લોકગાયક અશોક માણિયાએ પોતાનો ભારે રોષ અને ચિંતા વ્યક્ત કરી છે. દીકરીઓના ભવિષ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા અશોક માણિયાએ કલાકાર અને પાટીદાર દીકરીના માતા-પિતાને ખાસ વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “હું દીકરીના માતા-પિતાને ખાસ કહેવા માંગુ છું કે પોતાની દીકરીઓને આ લાઈન ઉપર ન મૂકો. પ્રોત્સાહન મેળવવા અને આગળ વધવા માટે બીજી ઘણી સારી લાઈનો અને ક્ષેત્રો ઉપલબ્ધ છે.

આ લાઈનમાં તો અંતે દીકરીઓએ માત્રને માત્ર ભોગ જ બનવું પડે છે. લાલુ માલવિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાટીદાર સમાજમાં આ પ્રકારનો આ કોઈ પહેલો બનાવ નથી, આની પહેલા પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. જ્યારે પણ સિંગિંગ લાઇન સાથે જોડાયેલી દીકરીઓ દ્વારા આવા આઘાતજનક નિર્ણયો લેવામાં આવે છે, ત્યારે તેની સીધી અને નકારાત્મક અસર સમગ્ર પાટીદાર સમાજ પર પડે છે. આટલું જ નહીં, સમાજના અન્ય કલાકારો જેઓ આ ક્ષેત્રમાં રાત-દિવસ પ્રામાણિકતાથી મહેનત કરી રહ્યા છે, તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી પર પણ આના કારણે ભારે માઠી અસર થાય છે.

ગાયન ક્ષેત્રની ગંભીર વાસ્તવિકતા વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, તેઓ માત્ર એક કલાકાર તરીકે જ નહીં પરંતુ પાટીદાર સમાજના એક જવાબદાર દીકરા તરીકે સમાજ સામે પોતાની વાત મૂકી રહ્યા છે. લાલુ માલવિયાએ પાટીદાર સમાજના તમામ વાલીઓ અને વડીલોને આગ્રહભરી વિનંતી કરતા કહ્યું કે, સમાજમાં દીકરીઓને ગાયક કલાકાર ન બનાવવી જોઈએ. એક સિંગર અને સમાજના દીકરા તરીકે હું લોકોને નમ્ર અપીલ કરું છું કે દીકરીઓને આ સિંગિંગ લાઇનમાં આગળ વધારવાથી બચવું જોઈએ, જેથી સમાજની વ્યવસ્થા અને અન્ય કલાકારોની છબી જળવાઈ રહે.