ગુજરાત

‘ધરોહર’ લોકમેળા માટે 1266 પોલીસનું સુરક્ષા કવચ

Published

on

3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ, 81 પી.એસ.આઈ અને એસ.આર.પી. 4 કંપની તૈનાત રહેશે

14 વોચટાવર અને સીસીટીવી કેમેરાથી મેળાની તમામ ગતિવિધિ ઉપર પોલીસની બાજ નજર

મેળો માણવા આવતા લોકો માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા: રાત્રે 11.30 પછી મેળામાં નો-એન્ટ્રી

રંગીલા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે આગામી તા 24 થી 28 ઓગસ્ટ સુધી યોજાનાર ધરોહર લોકમેળા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહ્યો છે. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડતું હોય મેળાની સુરક્ષા માટે પોલીસ દ્વારા ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશ્નરના નિરિક્ષણ હેઠળ 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ, 81 પી.એસ.આઈ, 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 14 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ક્રાઉડ કંટ્રોલ કરવા માટે સ્પેશયલ ટીમો શિફ્ટવાઈઝ હાજર રહેશે. આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે.


મેળાની તમામ ગતિવિધિ ઉપર નજર રખવા માટે 14 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. જન્માષ્ટમીના લોકમેળા ઉપરાંત આજીડેમ, ઇશ્વરિયા અને રતનપર સહિતના સ્થળે યોજનાર મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લાખોની મેદની ઊમટશે. પ્રજાજનો પરિવાર સાથે નિર્ભક રીતે શાંતિથી મેળાનો આનંદ માણી શકે,એ માટે પોલીસ દ્વારા સજજડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાજકોટનો લોકમેળો માણવા રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના 10 લાખથી વધુ લોકો આવતા હોય છે. ત્યારે કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચના અને માર્ગદર્શિકા હેઠળ 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. તેમજ 13 ડીએમએફડી, 30 એચએચએમડી પણ ઉભા કરવામાં આવનાર છે.


સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રેસકોર્સ ઉપરાંત આજી,રતનપર અને ઇશ્વરિયા ઉપરાંત દોઢસો ફૂટના રોડ પર ખાનગી મેળાના આયોજન હોવાથી મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળામાં રાત્રે 11.30 પછી નો-એન્ટ્રી જાહેર કરાઈ છે.

મેળામાં શંકાસ્પદ અને અસામાજિક તત્ત્વો ઉપર પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખશે


લોક મેળામાં ત્વરિત મદદ માટે ખાસ પોલીસ કંટ્રોલ રૂૂમ ઊભો કરવામાં આવશે. તેમજ સમગ્ર મેળામાં દરેક હિલચાલ ઉપર નજર રાખી શકાય તે રીતે ચાર વોચ ટાવર ઊભા કરવામાં આવશે. કોઇ પણ શંકાસ્પદ હિલચાલ અંગે તાકીદે ફરજ પરના અધિકારીને વાકેફ કરી શકાય તે માટે દરેક વોચ ટાવર ઉપર બાયનોકયુલર અને વાયરલેસ સેટથી સજજ જવાન તહેનાત રહેશે. મેળામાં શંકાસ્પદ શખ્સો, અસામાજિક તત્વોને શોધી શકાય તેમજ સંભવત કોઇ ગુનાહિત કૃત્ય બને તો અપરાધીઓની ઓળખ મળી રહે તે માટે લોકમેળામાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. સીસીટીવી કેમેરાના ફૂટેજનું રાઉન્ડ ધ કલોક મોનિટિંરગ કરવામાં આવશે.

લોકમેળામાં ભીડનો ગેરલાભ લઇ ખિસ્સા હળવા કરતા ખિસ્સાકાતરુ, છેડતી કરતા રોમિયો સહિતના અસામાજિક તત્વોને શોધી કાઢવા ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની બ્રાંચનો સ્ટાફ ખાનગી ડ્રેસમાં મેળામાં વોચમાં રહેશે. મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ સાથે મહિલા પોલીસકર્મીઓ સાદા કપડાંમાં તૈનાત રહેશે તેમજ ચીલ ઝડપ કરતી ગેંગને રોકવા એન્ટી સ્નેચિંગ સ્કવોડ, તસ્કરોને ઝડપી લેવા પોકેટ કોપ ટીમ, ગુમ બાળકોને શોધી કાઢવા સ્પેશિયલ ટીમ ફરજ ઉપર તૈનાત રહેશે.


સૌરાષ્ટ્રના નામચીન ગુનેગારોને ઓળખવા પાંચ જિલ્લાનો એલસીબીનો સ્ટાફ બોલાવાયો
લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પરિવાર સાથે આવતા હોય છે ત્યારે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે લોકમેળામાં લોખંડી બંદોબસ્ત જાળવવા રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાંથી પોલીસ મહેકમની માંગણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાની એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા ચાર ચાર કર્મચારીઓની માંગણી બંદોબસ્ત માટે કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version