ગુજરાત

ભારે વરસાદથી 10નાં મોત, 535નું રેસ્કયૂ, 4238નું સ્થળાંતર

Published

on

રાજયનાં 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર

બોરસદ, નવસારી, બીલીમોરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, વાહન-ટે્રન વ્યવહાર પ્રભાવિત


ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. નદીઓ વહેતી થઈ ગઈ છે અને ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પૂરને કારણે વરસાદ સંબંધિત અકસ્માતોમાં 10 લોકોના મોત થયા છે. જેમાં આજે સવારે હિંમતનગરના રાજપુર પાસે મકાનની દીવાલ ધસી પડતા માતા-પુત્રના મોતનો પણ સમાવેશ થાય છે.જયારે ગઇકાલ સુધીમાં 535 નાગરિકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું જયારે 4238 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


દરમિયાન, હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં 28 જુલાઈ સુધી ભારે વરસાદથી રાહત મળવાની નથી.
હવામાન વિભાગે 24 અને 25 જુલાઈએ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પછી 26, 27 અને 28 જુલાઈએ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઇએમડી એ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના આણંદ જિલ્લામાં મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.


આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે અમરેલીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, દ્વારકા જીલ્લામાં કરેલ છે. ગુજરાત પ્રદેશના ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે વહીવટીતંત્રે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે એનડીઆરએફ, એસડીઆરએફના જવાનોને તૈનાત કર્યા છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સવારે 8 વાગ્યાથી માત્ર ચાર કલાકમાં 314 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ લગભગ 400 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એનડીઆરએફની ટીમ ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે.


ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્રએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધી જતાં નવસારી અને બીલીમોરા શહેરમાં અંદાજે 150 લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. કાવેરી અને અંબિકા જેવી નદીઓ પણ તેમના ખતરાના નિશાનની નજીકથી વહી રહી છે, જેના કારણે ઘણી જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે. વડોદરા ડિવિઝનમાં રેલવે બ્રિજ નીચે પાણીનું સ્તર વધવાને કારણે 11 એક્સપ્રેસ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે જ્યારે ચાર ટ્રેનો રદ કરવામાં આવી છે.


ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ 4,238 નાગરિકોનું સ્થળાંતર તથા 535 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમો તૈનાત કરાઇ છે તથા એનડીઆરએફની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. તા. 23 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં 03, બનાસકાંઠામાં 02, કચ્છ 02, રાજકોટ 01, અને સુરત 01 એમ કુલ 09 માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે. વરસાદને પગલે વીજળીના કારણે 5817 ગામડાઓ પૈકી 5796, 11358 ફીડર પૈકી 11037, 5255 પોલ પૈકી 4211 અને 317 ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી 184 પૂર્વવત કરાયા છે. વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી 30 ને પૂર્વવત કરાયા છે જેમા 02 રાજ્યના માર્ગો, 23 પંચાયત ના અને 5 અન્ય માર્ગો છે.


અનારાધાર વરસેલા વરસાદના પગલે જઝ બસ સેવા પર પણ ભારે અસર પડી છે રાજ્યના 16 વિભાગની 33 જિલ્લામાં બસ સેવા પર અસર પડી છે. 78 રૂૂટની 230 ટ્રીપ બંધ કરાઈ છે. અત્રે જણાવીએ કે, કચ્છના 24 રૂૂટની 53 ટ્રીપ અને જૂનાગઢના 29 રૂૂટની 120 ટ્રીપ બંધ કરવાની ફરજ પડી છે. તો પોરબંદરના 10 રૂૂટની 30 ટ્રીપ બંધ કરવામાં આવી છે. જ્યારે દ્વારકાની 7 રૂૂટની 7 ટ્રીપ અને રાજકોટના 6 રૂૂટની 6 ટ્રીપ બંધ કરાઈ છે

જળાશયોમાં 54.61 ટકા જળસંગ્રહ

હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ 182444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,36,849 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.28 ટકા છે. જેમાં કુલ ક્ષમતાના 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 46, 70 થી 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 25, 50 થી 70 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 41, 25 ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે. રાજ્યના 206 ડેમ પૈકી 51 ડેમને હાઇ એલર્ટ પર , 8 ડેમને એલર્ટ અને 12 જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.

17 સ્ટેટ હાઇવે સહિત 666 રસ્તા બંધ, એસ.ટી.ની 230 ટ્રીપ રદ કરાઇ

રાજ્યમાં સ્ટેટ હાઈવે 17 બંધ છે, 42 અન્ય તથા 607 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. કુલ 666 રસ્તાઓ બંધ છે. આવતીકાલે સૌરાષ્ટ્રના 2 તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ રહેશે. ગઈકાલે દ્વારકામાં એરલિફ્ટ કરાયા હતા, આજે સુરતના લુહાર ગામમાં એરલિફ્ટ કરવા માટે સુચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version