જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા

જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના 20 વર્ષીય…

જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના 20 વર્ષીય યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ ધારદાર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હુમલામાં યુવાનને પેટ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

બનાવની જાણ થતાં આસપાસના લોકોએ ગંભીર રીતે ઘાયલ કરણ વાઘેલાને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ ત્રણ શખ્સોએ આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હુમલાખોરોની ઓળખ, હુમલાનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. શહેર સી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ આસપાસના વિસ્તારના સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ બનાવને પગલે ખેતીવાડી વિસ્તાર સહિત શહેરભરમાં ભારે ચકચાર ફેલાઈ છે. હત્યાનું ચોક્કસ કારણ અને હુમલાખોરોની ઓળખ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

ઇંગ્લિશ દારૂના ત્રણ દરોડા
જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસે હાથ ધરેલા અભિયાન દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાંગરા ગામે કિરણસિંહ ઉર્ફે કરણસિંહ જામભા જાડેજાના રહેણાંક મકાનમાંથી પાસ-પરમિટ વિના વેચાણ માટે રાખેલા વિદેશી દારૂના 8 ચપટા, કિંમત રૂ. 800નો જથ્થો કબજે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધ્રોલ પોલીસ દ્વારા જ હાડાટોડા ગામે વિજયસિંહ ઉર્ફે પીન્ટુભા ગુણવંતસિંહ જાડેજાની વાડીમાં આવેલી ઓરડીમાંથી વિવિધ કંપનીના વિદેશી દારૂના 68 ચપટા, કિંમત રૂ. 6,800નો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પંચ ’એ’ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંભાળીડા ગામ રોડ પર એલ.સી.બી.ની ટીમે વિશ્વરાજસિંહ અશોકસિંહ જાડેજાને 30 ચપટા વિદેશી દારૂ, કિંમત રૂ. 3,000 સાથે ઝડપી પાડ્યો હતો. દારૂ સપ્લાય કરનાર 9586831926 નંબરના એક મોબાઇલ ધારકને પોલીસે ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ ત્રણેય કાર્યવાહીમાં કુલ 106 ચપટા વિદેશી દારૂ સહિત રૂ. 10,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.