દુકાળમાં અધિકમાસ, બંગાળની ખાડીની સિસ્ટમ વિખેરાઇ ગઇ

સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં ઘનઘોર કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા રહે છે, પરંતુ વરસાદનું એક ટીપું…

સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં ઘનઘોર કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા રહે છે, પરંતુ વરસાદનું એક ટીપું પણ ન પડતાં લોકો ભારે અકળામણ અને ઉકળાટ અનુભવી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત વરસાદી સિસ્ટમ અચાનક વિખેરાઈ જતાં અને તેની દિશા બદલાતાં સૌરાષ્ટ્ર-કચ્છ પરથી વરસાદી માહોલ ગાયબ થઈ ગયો છે.

શ્રાવણ અને ભાદરવા મહિનાના સંધિકાળે સામાન્ય રીતે મેઘરાજા મન મૂકીને વરસતા હોય છે. પરંતુ આ વખતે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મેઘવિરામની સ્થિતિ સર્જાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. મોલ-પાકને અત્યારે પાછોતરા વરસાદની સખત જરૂૂર છે, પરંતુ વરસાદ ખેંચાતાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ વાદળોના કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે પરંતુ વાતાવરણમાં ભેજ અને બફારો અતિશય વધી જતાં સામાન્ય જનજીવન વ્યાકુળ બની ગયું છે. લોકો કમરતોડ ગરમી અને અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે.

હવામાન ખાતાના પૂર્વાનુમાન મુજબ, બંગાળની ખાડીની સિસ્ટમ નિષ્ક્રિય થઈ જવાથી હાલ પૂરતી કોઈ નવી મજબૂત સિસ્ટમ સક્રિય દેખાતી નથી. પરિણામે આગામી થોડા દિવસો સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે પરંતુ ભારે વરસાદની શક્યતા નહિવત છે. સ્થાનિક સ્તરે અચાનક બનતા વાદળોના કારણે ક્યાંક ક્યાંક હળવા ઝાપટાં પડી શકે છે, પરંતુ સાર્વત્રિક અને ધોધમાર વરસાદ માટે નવી સિસ્ટમ આકાર લે ત્યાં સુધી રાહ જોવી પડશે.

તંત્ર અને હવામાન પ્રેમીઓ હવે અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં નવી કોઈ સિસ્ટમ આકાર લે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી કરીને સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં નવા નીરની આવક થઈ શકે અને લોકોને બફારામાંથી રાહત મળે. હવામાન વિભાગના નીરિક્ષણ મુજબ, બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર (લો-પ્રેશર સિસ્ટમ) સર્જાયું હતું, જેના કારણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશા સેવાઈ રહી હતી. પરંતુ આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધતાં જ ભેજનું પ્રમાણ ઘટી ગયું હતું અને વાતાવરણમાં ઉપલા સ્તરે પવનની ઝડપમાં ફેરફાર થવાને કારણે આ સિસ્ટમ તૂટી ગઈ હતી. સિસ્ટમ સંપૂર્ણપણે વિખેરાઈ જતાં જે ભેજ સૌરાષ્ટ્ર તરફ આવવો જોઈતો હતો તે અટકી ગયો છે, જેને કારણે વાદળો હોવા છતાં વરસાદ વરસી રહ્યો નથી.