વાવડીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

સગર્ભા પત્ની વતનમાં ગયા બાદ મજૂરી કરતા 25 વર્ષીય સોનુકુમાર ચૌહાણે ચાલુ કામે ઓરડીમાં જઈ પગલું ભર્યું રાજકોટ શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વાવડીમાંથી એક અત્યંત…

સગર્ભા પત્ની વતનમાં ગયા બાદ મજૂરી કરતા 25 વર્ષીય સોનુકુમાર ચૌહાણે ચાલુ કામે ઓરડીમાં જઈ પગલું ભર્યું

રાજકોટ શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વાવડીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. વાવડીમાં આવેલી ’રિફાઇન્સ બોલ્સ ઈન પ્રા.લિમિટેડ’ નામની કંપનીમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા 25 વર્ષના શ્રમિક યુવાને અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનની ઓળખ સોનુકુમાર શ્રીરામબચ્ચન ચૌહાણ તરીકે થઈ છે. ચાલુ કામ દરમિયાન યુવાને અચાનક આવું અંતિમ પગલું ભરી લેતા કંપનીના અન્ય કર્મચારીઓ અને શ્રમિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસે હોસ્પિટલ પહોંચીને જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કરુણ ઘટનાની વિગતો મુજબ, સોનુકુમાર ચૌહાણ રોજની જેમ કંપનીમાં પોતાની ફરજ પર હાજર હતો અને મજૂરી કામ કરી રહ્યો હતો. આ ચાલુ કામ દરમિયાન તે અચાનક જ કોઈને કહ્યા વિના કંપની પરિસરમાં આવેલી પોતાની ઓરડીમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ દરમિયાન તેનો એક શ્રમિક મિત્ર કંપનીમાં કામ કરતી વખતે પાણી પીવા માટે ઓરડી તરફ ગયો હતો. તેણે ઓરડીમાં ડોકિયું કરતાં જ સોનુકુમારને લટકતી હાલતમાં જોઈને તેના હોશ ઉડી ગયા હતા. તેણે તાત્કાલિક બૂમાબૂમ કરીને આજુબાજુના અન્ય મજૂરોને એકઠા કર્યા હતા.

સહકર્મીઓએ ભારે જહેમત બાદ તેને તાત્કાલિક ફાંસામાંથી નીચે ઉતાર્યો હતો અને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડ્યો હતો. જો કે, કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેનો જીવ ચાલ્યો ગયો હતો અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ આપઘાતના પગલાથી મૃતક સોનુકુમારના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. સોનુકુમારના લગ્નને હજુ માંડ ત્રણ વર્ષનો સમય થયો હતો અને સંતાનમાં તેને એક નાનો દીકરો છે. હાલમાં તેની પત્ની ફરી સગર્ભા હોવાથી ડિલિવરી (પ્રસૂતિ) કરાવવા માટે પોતાના વતનમાં ગઈ છે. વતનમાં જ્યાં એકતરફ નવા બાળકના આગમનની ખુશીઓનો માહોલ હતો, ત્યાં જ પાછળથી પતિએ આ ઘાતક પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. મૃતક સોનુકુમાર પોતાના બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો અને લાડકો હતો. કયા કારણોસર આ આશાસ્પદ યુવાને પોતાની જિંદગીનો અંત આણ્યો તે હજી સુધી જાણી શકાયું નથી.