પરિવારને ઉંઘતો રાખી તસ્કરો રૂમનો દરવાજો બહારથી બંધ કરી 2.08 લાખની મતા ચોરી ગયા

અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુનો દાખલ, રતનપરના પશુપાલક પરિવારના ઘરમાંથી રોકડ અને દાગીના ગાયબ મોરબી રોડ પર રતનપર ગામમાં કાલે વહેલી સવારે ચોરીની એક ઘટના સામે…

અજાણ્યા ચોર વિરૂધ્ધ ગુનો દાખલ, રતનપરના પશુપાલક પરિવારના ઘરમાંથી રોકડ અને દાગીના ગાયબ

મોરબી રોડ પર રતનપર ગામમાં કાલે વહેલી સવારે ચોરીની એક ઘટના સામે આવી છે. અહીં એક પશુપાલક પરિવારના ઘરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને સોનાના દાગીના, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,08,500ના માલમતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે મકાનમાલિક નાગજીભાઈ નકુભાઈ બાવડાએ કુવાડવા રોડ પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એ.એસ.ની વિવિધ કલમો હેઠળ વિધિવત રીતે પ્રાથમિક માહિતી અહેવાલ નોંધાવ્યો છે.

ફરિયાદની વિગતો અનુસાર, મૂળ ગોંડલ રોડ પર રહેતા અને હાલ રતનપર ગામમાં રામજી મંદિરની સામે ગાયત્રી ગૌશાળાની પાછળ રહેતા નાગજીભાઈ બાવડા માલઢોર રાખીને દૂધનો વ્યવસાય કરે છે. ગત સોમવારે તેઓ રાજકોટ ખાતે તેમના મોટા ભાઈના ઘરે રોકાયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. મંગળવારની રાત્રે આશરે ત્રણ વાગ્યાની આસપાસ તેમના રતનપર સ્થિત ઘરે પરિવારના સભ્યો સુતા હતા. ઘરમાં અવાજ થતાં નાગજીભાઈના માતા અમુબેન અચાનક જાગી ગયા હતા અને તેમણે એક અજાણ્યા શખ્સને ભાગતો જોયો હતો.

તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરતા આ અજાણ્યો ચોર ઈસમ ઘરની દિવાલ કૂદીને અંધારામાં નાસી છૂટ્યો હતો. તસ્કરે ચોરી કરવા માટે અનોખી અને શાતિર મોડસ ઓપરેન્ડી અપનાવી હતી.

રૂમમાં સુતેલા નાના ભાઈ કમલેશભાઈ અને તેમના પત્ની બહાર ન આવી શકે તે માટે તસ્કરે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ ઓસરીમાં રાખેલા કબાટના ખાનામાંથી તસ્કરોએ રૂપિયા 2,00,000ની રોકડ રકમ, રૂપિયા એક લાખની કિંમતનો સોનાનો નાકનો ચૂક (દાણો), રૂપિયા 1,500ની કિંમતનું સોનાનું ઓમકાર લોકેટ અને આશરે 6,000ની કિંમતનો એક મોબાઈલ ફોન ચોરી લીધો હતો. આ રીતે સમગ્ર પરિવારને રૂમમાં બંધ રાખીને કુલ રૂપિયા 2,08,500ની મતા સાફ કરી ચોર પલાયન થઈ ગયો હતો.આ ચોરીની ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હેડ કોન્સ્ટેબલ વી.ડી. મકવાણા અને પ્રશાંતભાઈ રાઠોડ દ્વારા પ્રાથમિક વિગતો નોંધીને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.