પાળ ગામના લાપતા પ્રૌઢની ગટરમાંથી લાશ મળી આવી

મવડીથી આગળ પાળ ગામે રહેતાં આધેડ પરમ દિવસે સાંજે ઘરેથી બાઇક લઇને નીકળ્યા બાદ ગૂમ થયા પછી ગઇકાલે તેની લાશ પાળ જખરાપીરથી આગળ સોલવન્ટ તરફના…

મવડીથી આગળ પાળ ગામે રહેતાં આધેડ પરમ દિવસે સાંજે ઘરેથી બાઇક લઇને નીકળ્યા બાદ ગૂમ થયા પછી ગઇકાલે તેની લાશ પાળ જખરાપીરથી આગળ સોલવન્ટ તરફના રસ્તે ગટરમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. નશાની આદત ધરાવતાં આ પ્રૌઢનું બાઇક લાશ જ્યાં પડી હતી ત્યાંથી સોએક મીટર દૂરથી મળ્યું હતું. લોધીકા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.
જાણવા મળ્યા મુજબ પાળ રહેતાં દિનેશભાઇ દેવજીભાઇ ચાંડપા (ઉ.વ.45) સોમવારે સાંજે પાંચ વાગ્યા પછી ઘરેથી બાઇક લઇને નીકળ્યા હતાં. એ પછી તે મોડી રાત સુધી પરત આવ્યા નહોતાં. અવાર-નવાર તે આ રીતે નીકળી જતાં હોઇ પરિવારજનોએ શોધખોળ શરૂૂ કરી નહોતી. પણ ગત સાંજ સુધી તેઓ પરત ન આવતાં અને સંપર્ક ન થતાં પરિવારજનો શોધખોળ કરવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન પાળ જખરાપીરથી કોઠારીયા સોલવન્ટ જવાના રસ્તે પરિવારના લોકો પહોંચતા ત્યાંથી દિનેશભાઇનું બાઇક મળી આવ્યું હતું.

આ બાઇકથી સોએક ફુટ આગળ જતાં ગટરમાં દિનેશભાઇ ઉંધા માથે પડેલા જોવા મળ્યા હતાં. 108ને જાણ કરવામાં આવતાં દિનેશભાઇને લોધીકા ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં લોધીકા પોલીસે તપાસ શરૂૂ કરી હતી. દિનેશભાઇ ઉંધા માથે પડેલા હોઇ નશાની હાલતમાં ચાલતા ચાલતા પડી ગયા કે અકસ્માતે ઇજા થઇ કે પછી અન્ય કંઇ બન્યું? તે જાણવા લોધીકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. સગાના કહેવા મુજબ દિનેશભાઇ બે ભાઇમાં મોટો હતાં અને છુટાછેડા થઇ ગયા હતાં. તે છુટક મજૂરી કરતાં હતાં. નશો કરવાની આદત હોઇ અવાર-નવાર ઘરેથી નીકળી જતાં હતાં. પરિવારજનોએ મૃત્યુ અંગે કોઇ શંકા નથી. પરંતુ પોલીસે મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.