પ્રેમસબંધમાં યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર માર્યો, છોડાવવા જતા પોલીસ પર હુમલો

ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા, પોલીસમાં 17 શખ્સો સામે ગુનો નોંધાયો, રાજુલા તાલુકાના ખેરા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના…

ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા, પોલીસમાં 17 શખ્સો સામે ગુનો નોંધાયો, રાજુલા તાલુકાના ખેરા ગામની ઘટના

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકાએ એક યુવકના પિતાનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. તેમને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસ ટીમ પર અપહરણકર્તાઓએ હુમલો કર્યો હતો, જેમાં PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.

અપહરણકર્તાઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો ઘટના ખેરા ગામના દેવશીભાઈ ગુજરીયા સાથે બની હતી. તેમના પુત્રને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા હતી, જેના કારણે યુવતીના પરિવારજનોને શંકા હતી કે દેવશીભાઈનો પુત્ર યુવતીને ભગાડી ગયો છે. આ બાબતને લઈને કેટલાક ઈસમોએ દેવશીભાઈનું હિંડોરણાથી અપહરણ કર્યું હતું.

પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ કર્યું અપહરણ બાદ દેવશીભાઈને ખેરા ગામની સીમમાં એક જાંબુડાના ઝાડ સાથે બાંધીને કેટલાક પુરુષો અને સ્ત્રીઓ સહિતના લોકો માર મારી રહ્યા હતા. આ દરમિયાન પીપાવાવ મરીન પોલીસને જાણ થતા PI વી.કે. રાઠોડ, PSI કે.ડી. હડિયા, પોલીસ કર્મચારી ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક દેવશીભાઈ ગુજરીયાને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યા હતા.છોડાવવા ગયેલી પોલીસને પણ માર માર્યો પોલીસ ટીમ દ્વારા અપહરણકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટોળાએ PSI કે.ડી. હડિયા, ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતના પોલીસકર્મીઓ પર પથ્થરમારો અને લાકડા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ તેમને રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

PSI સહિત ત્રણ પોલીસકર્મી ઘાયલ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સમગ્ર મામલે માહિતી મેળવી તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. મોડી રાત્રે DYSP નયના ગોરડીયા અને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI સી.પી. વાઘેલાની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી.

આ ઘટનામાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દેવશીભાઈ પોલાભાઈ ગુજરીયાએ ખેરા ગામના આરોપી ધીરુભાઈ બચુભાઇ શિયાળ, કાળુભાઇ ભીખાભાઇ શિયાળ, પ્રદીપભાઈ રાણાભાઇ ગુજરીયા, કાનાભાઈ બચુભાઇ શિયાળનો મોટો દીકરો,ગીગાભાઈ બચુભાઇ શિયાળનો મોટો દીકરો,જીણાભાઈ બચુભાઇ શિયાળનો નાનો દીકરો,ગીગાભાઈ શિયાળના પત્ની તથા અજાણીયા ત્રણ બહેનો તથા 7 અજાણ્યા પુરુષો એમ કુલ 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

દેવશીભાઈના દીકરા અશોકે આરોપી ધીરુભાઈની દીકરી સાથે પ્રેમસંબંધ હતો અને બંને ઘરેથી જતા રહ્યા હતા, જે વાતનું મનદુ:ખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હિંડોરણાથી અપહરણ કરી ખેરા ગામ નજીક દોરડાથી માર માર્યો મૂંઢ માર મારી ઇજાઓ પોહચાડી તથા ઢીકાપાટુ માર માર્યો હતો. ત્યારબાદ રાવણાના ઝાડ સાથે બાંધી વારા ફરતી વારા માર માર્યો જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી સહિત કલમ હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.