Site icon Gujarat Mirror

ખંભાળિયા પાલિકામાં સખળ-ડખળ સપાટી પર: ચીફ ઓફિસરની બદલી કરવા લખાયો પત્ર !

ખંભાળિયા નગરપાલિકામાં કહેવાતા અસંતોષ તેમજ આંતરિક ગજગ્રાહ જાણે સપાટી પર આવ્યો હોય તેમ નગરપાલિકાના લેટર પેડ પર કેટલાક સભ્યોની સહીઓથી ગાંધીનગર ખાતે લખવામાં આવેલા પત્રમાં ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી કરવાની માંગના સમગ્ર પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે. ખંભાળિયા નગરપાલિકા સાથે સ્થાનિક રાજકારણમાં ચકચારી બની ગયેલા આ પત્રની વિગતમાં નગરપાલિકાના 1933 જાવક નંબરથી રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને લખવામાં આવેલા આ પત્રમાં જિલ્લા કક્ષાના મુખ્ય મથક એવા ખંભાળિયામાં તાજેતરમાં ચાર ગામોના જુદા જુદા વિસ્તારોને શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેથી શહેરનો હદ વિસ્તાર વધી ગયો છે. સાથે જ સરકાર દ્વારા ખંભાળિયા નગરપાલિકાને “ક” વર્ગમાંથી “અ” વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. જેથી ખંભાળિયા નગરપાલિકાને સરકારની વિવિધ યોજનાઓની મળતી ગ્રાન્ટમાં પણ વધારો થવા પામ્યો છે.

લાંબા સમય પછી તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકાને કાયમી ચીફ ઓફિસર મળ્યા છે. પરંતુ હાલ વર્ગ 3 ના ચીફ ઓફિસરને બિન અનુભવી ગણાવીને તેમજ તેઓ કચેરીમાં નિયમિત હાજર રહેતા ન હોવા જેવી બાબતોને ઉલ્લેખીને ચીફ ઓફિસરની તાત્કાલિક બદલી કરવાની માંગ આ પત્રમાં કરાઈ છે.

આટલું જ નહીં જો ઓફિસરની બદલી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં યોજાનારી ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં પણ આની અસર થશે અને ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ આ પત્રમાં જણાવ્યું છે. ખંભાળિયા નગરપાલિકાના લેટરપેડ ઉપર ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ લખવામાં આવેલા આ પત્રમાં કરવામાં આવેલી કેટલાક સભ્યોની સહી જે-તે સભ્યની જાણ બહાર હોવાની બાબતે પણ ભારે ચર્ચા જગાવી છે.

Exit mobile version