Site icon Gujarat Mirror

જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ભંગાર રસ્તાના મુદ્દે મહિલાઓનું ચક્કાજામ

જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકની આસપાસની સોસાયટી વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિનાથી રોડનું કામ અધૂરું મૂકીને ભાગી છૂટ્યો છે, અને આ વિસ્તારમાં વસતા નાગરિકોને પ્રતિદિન અવર જવર માટે ભારે હાલાકી વેઠવી પડે છે.

આ મામલે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય નહીં મળતાં આખરે સ્થાનિક વિસ્તારની મહિલાઓ આજે રણચંડી બની હતી, અને સત્યમ કોલોની અન્ડરબ્રિઝ વાળો માર્ગ કે જેને આડે માનવ સાંકળ બનાવીને ઉભી રહી ગઈ હતી. જેથી વાહન વ્યવહાર થંભી ગયો હતો, અને ભારે દેકારો બોલી ગયો હતો. મહિલાને રસ્તો ખુલ્લો કરવા માટે, અને હટી જવા માટે વાહન ચાલકોએ જણાવતાં મહિલાઓએ તમામ વાહન ચાલકોને ઘસી ને ના પાડી દીધી હતી, અને ફરીને જવું હોય તો જઈ શકો છો, અહીંથી રસ્તો ખુલશે નહીં. અનેક રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી, માટે હારી થાકીને આ પગલું ભરવું પડ્યું છે, તેમ જણાવી મહિલાઓ સહિતના અન્ય સ્થાનિકો પણ રોડ રસ્તા પર આવી ગયા હતા, જેને કારણે ચક્કાજામ સર્જાયો હતો, અને ભારે દેકારો બોલી ગયો હતો.

જે ઘટનાની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફ્લો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને ભારે મથામણ અને રકઝક કર્યા પછી સ્થાનિકોને દૂર કર્યા હતા, અને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવી લઇ સ્થાનિકોને રોડ રસ્તા માટે હૈયાધારણાં આપવા માટેનો પોલીસ વગેરે દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Exit mobile version