Site icon Gujarat Mirror

જામનગરમાં 10 વર્ષની માસૂમ બાળા પાસે બિભત્સ માગણી કરનાર આરોપીને 3 વર્ષની સજા

આરોપીને રૂ.10 હજારનો દંડ અને ભોગ બનનાર બાળાને રૂૂ. 2 લાખનું વળતર ચૂકવવાનો હુકમ

જામનગર શહેરમાં સગીર વયની બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા અંગે એક દાખલારૂૂપ ચુકાદો આપતા જામનગરની સ્પેશિયલ પોક્સો અને રેપ કોર્ટે એક સગીરા પાસે બિભત્સ માંગણી કરવાના ગુનામાં આરોપીને કસૂરવાર ઠેરવીને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જામનગરની સ્પે. પોક્સો તથા રેપની અદાલતના મહેરબાન જજ શ્રી આર. પી. મોગેરાએ સમાજમાં લાલબત્તી સમાન આ કેસમાં આરોપીની કરતૂત બદલ તેને આકરો દંડ પણ ફટકાર્યો છે. સને 2023ની સાલમાં બનેલા આ ચકચારી બનાવમાં કોર્ટે પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને પીડિતાને ન્યાય અપાવ્યો છે. આ ચુકાદો સમાજમાં આવી વિકૃત માનસિકતા ધરાવતા તત્વો માટે એક કડક ચેતવણી સમાન બની રહેશે.

આ સનસનીખેજ કેસની વિગતવાર વાત કરીએ તો, સને 2023ના વર્ષમાં જામનગર શહેરના જનતા ફાટક વિસ્તાર પાસે રહેતા ફરિયાદીની 10 વર્ષ અને દોઢ મહિનાની માસૂમ દીકરી સવારના 7:30 વાગ્યે ચાલીને પોતાની શાળાએ જઈ રહી હતી. આ સમયે એક અજાણ્યા ઈસમે સાયકલ લઈને આ સગીર બાળાનો પીછો કર્યો હતો અને રસ્તામાં તેને રોકીને પોતે સાયકલ પરથી નીચે ઉતરી ગયો હતો. આ શખ્સે પોતાના પેન્ટની ચેન ખોલીને આ માસૂમ બાળકી સમક્ષ બિભત્સ માંગણી કરી હતી, જેના કારણે બાળા અત્યંત ગભરાઈ ગઈ હતી.

ડરી ગયેલી બાળકીએ નજીકના મંદિરમાંથી બહાર આવતા એક જાગૃત નાગરિકને આ ઘટનાની જાણ કરતા, તે ઈસમે હિંમત દાખવીને આરોપીને પકડી લીધો હતો અને તેને શાળાએ લઈ જઈ પ્રિન્સિપાલ તથા બાળાના પિતાને જાણ કરી હતી. ત્યારબાદ, 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આરોપીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ભોગ બનનાર બાળાના પિતાએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ ગંભીર ગુનાની તપાસ પૂર્ણ કરી પોલીસે જામનગરની સ્પે. પોક્સો અને રેપ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસ કોર્ટ બોર્ડ પર ચાલવા પર આવતા, સરકાર પક્ષે જામનગરના સિનિયર સરકારી વકીલ મુકેશભાઈ પી. જાનીએ પેરવી કરી હતી અને નામદાર કોર્ટ સમક્ષ કુલ 10 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. વધુમાં, ભોગ બનનાર બાળા સહિત કુલ આઠ સાક્ષીઓના મૌખિક પુરાવાઓ પણ કોર્ટમાં લેવામાં આવ્યા હતા. આરોપી અને સરકારી વકીલશ્રીની તમામ દલીલો સાંભળ્યા બાદ, નામદાર કોર્ટે આરોપીને પોક્સોની કલમ 12 મુજબ દોષિત ઠેરવીને 3 વર્ષની સખત કેદની સજા અને રૂૂ. 10,000/- નો દંડ ફટકારતો ઐતિહાસિક હુકમ કર્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો તેને વધુ 4 માસની સાદી કેદ ભોગવવી પડશે તેવો કડક નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. તદુપરાંત, પીડિત બાળકીના ન્યાય માટે નામદાર કોર્ટે સરકારની યોજના હેઠળ ભોગ બનનાર બાળાને રૂૂ. 2,00,000/- નું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.

Exit mobile version