કલ્યાણપુરની રાવલ નગરપાલિકામાં તોતિંગ બેઠકો સાથે કોંગ્રેસનો કબજો

સલાયા પેટા ચૂંટણીમાં “આપ”ના ઉમેદવાર વિજેતા કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાની યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને નોંધપાત્ર બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે…

સલાયા પેટા ચૂંટણીમાં “આપ”ના ઉમેદવાર વિજેતા

કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાની યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને નોંધપાત્ર બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠક મળવા પામી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકાના 6 વોર્ડના 24 સભ્યો માટેની મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ હતી. જેમાં નોંધપાત્ર 79.12 ટકા મતદાન થયું હતું. ગઈકાલે મંગળવારે મત ગણતરીમાં નોંધપાત્ર કહી શકાય તેટલી 21 બેઠક કોંગ્રેસને ફાળે જવા પામી હતી. જ્યારે ભાજપને માત્ર 3 બેઠક મળવા પામી છે.

વર્ષ 2021 ની સામાન્ય ચૂંટણીમાં રાવલ નગરપાલિકામાં સ્થાનિક એવી “વ્યવસ્થા પરિવર્તન પાર્ટી” (વી.પી.પી.) ની બહુમતી સાથે દબદબો રહ્યો હતો. જે કાળક્રમે વિસર્જિત થઈ જવા પામ્યો હતો. ત્યારે જિલ્લામાં એકમાત્ર રાવલ નગરપાલિકામાં કોંગ્રેસનો કબજો રહ્યો છે.

સલાયાની પેટા ચૂંટણીમાં “આપ” વિજેતા
ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાના વોર્ડ નં. 3 ની ખાલી પડેલી એક બેઠક માટેની યોજાઈ ગયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુલામ અબ્દુલ્લા કારા 1005 મત મેળવીને વિજેતા બન્યા છે. જ્યારે કોંગ્રેસના હનીફ હારુન ગંઢારને 484 મત અને એ.આઈ.એમ.આઈ.એમ.ના મેરાજ ભાયાને 217 મત મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપે તેમના ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા.