કાર કેનાલમાં ખાબકતા પત્નીનું મોત, પતિનો બચાવ

જિલ્લાના Dhrangadhra-Halwad Highwayપર ગત મોડી રાત્રે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. કોંઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હળવદના એક પરિવારની અનિયંત્રિત થયેલી કાર…

જિલ્લાના Dhrangadhra-Halwad Highwayપર ગત મોડી રાત્રે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. કોંઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ હળવદના એક પરિવારની અનિયંત્રિત થયેલી કાર પાણીના પ્રવાહમાં ખાબકતા પતિનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ કમનસીબે પત્નીનું ડૂબી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામના વતની અને હાલ હળવદ ખાતે સ્થાયી થયેલ દંપતી ગત રાત્રે પોતાની કાર લઈને હળવદથી ઘઉં ખરીદવા માટે નીકળ્યું હતું. રાત્રિના સુમારે જ્યારે તેમની કાર ધ્રાંગધ્રાના કોંઢ ગામ પાસે પહોંચી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર રોડ પરથી નીચે ઉતરી નર્મદા કેનાલના ઊંડા પાણીમાં જઈ પડી હતી.

આ સમયે પતિએ અત્યંત સમયસૂચકતા વાપરીને કારનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી અને ત્વરિત બહાર નીકળીને પોતાનો જીવ બચાવી લીધો હતો. જોકે, કારની અંદર સવાર પત્ની દરવાજો ન ખોલી શકવાને કારણે કે અન્ય કોઈ કારણસર અંદર જ ફસાઈ ગયા હતા. પાણીના પ્રવાહ અને ઊંડાઈને કારણે તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગૂંગળામણ તેમજ ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ધ્રાંગધ્રા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કેનાલના પાણીમાં ઉતરીને રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કર્યું હતું. અંદાજે 2 કલાકથી વધુ ચાલેલી ભારે જહેમત બાદ કેનાલના ઊંડા પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી અને તેમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.