સુપર અલ-નીનો ગુજરાતમાં મચાવશે “હાહાકાર”?

અલ-નીનોને ભારતીય ચોમાસા સાથે સીધો અને ઉલ્ટો સંબંધ : દેશના તાપમાનમાં સરેરાશ બે ટકાના વધારાની આગાહી ઉનાળામાં દર વખતે કાળઝાળ ગરમી હેરાન પરેશાન કરે છે…

અલ-નીનોને ભારતીય ચોમાસા સાથે સીધો અને ઉલ્ટો સંબંધ : દેશના તાપમાનમાં સરેરાશ બે ટકાના વધારાની આગાહી

ઉનાળામાં દર વખતે કાળઝાળ ગરમી હેરાન પરેશાન કરે છે પરંતુ આ વખતની ગરમી કઈક અલગ છે. હજુ તો એપ્રિલ મહિનાના અંતમાં જ એવી ભીષણ ગરમી જોવા મળી રહી છે કે વાત ન પૂછો. મે અને જૂનમાં શું થશે તેની કલ્પના માત્રથી ફફડી જવાય છે. એમાં પણ હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વખતે સુપર અલ નીનોના કારણે ગરમી પોતાના છેલ્લા 140 વર્ષના તમામ રેકોર્ડ તોડી શકે છે. વૈશ્વિક તાપમાન નવો રેકોર્ડ બનાવી શકે છે અને દુનિયાના અનેક ભાગોમાં ગરમી ચરમસીમાએ પહોંચે તેવી સ્થિતિ જોવા મળી શકે. ત્યારે આવામાં આ સુપર અલ નીનો શું છે ને તે કેવી રીતે અસર કરે છે? તે આટલું ખતરનાક કેમ ગણાઈ રહ્યું છે? તથા સમગ્ર ગુજરાત અને ભારત સહિત દુનિયા પર તેની શું અસર પડશે તે સમજવું જરૂૂરી છે.પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન સામાન્યથી થોડું વધે તો તેને અલ નીનો કહે છે.

પરંતુ જ્યારે તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ વધી જાય તો તે ઘટના ખુબ જ ઉગ્ર બને છે. તેને વૈજ્ઞાનિકોએ સુપર અલ નીનોનું નામ આપ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનો પરસ્પર મળી જાય તો આ એક ડબલ એટેક બને છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો 140 વર્ષથી પણ વધુ સમય બાદ આવી ભયંકર ગરમીની ભવિષ્યવાણઈ કરી રહ્યા છે. આ સ્થિતિ ખુબ દુર્લભ થાય છે- 1950 બાદ ફક્ત 1982-83, 1997-98 અને 2015-16માં પણ કઈક અસર જોવા મળી હતી. આ વખતે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અલ નીનો 3.4 ક્ષેત્રમાં તાપમાનમાં વધારો 2 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી શકે છે. ન્યૂયોર્કના એટ અલ્બાની યુનિવર્સિટીના પ્રોફેસર પોલ રાઉન્ડીનું કહેવું છે કે છેલ્લા 140 વર્ષમાં સૌથી મજબૂત અલ નીનો બનવાની વાસ્તવિક સંભાવના છે.

ચોમાસામાં વિલંબ, દુષ્કાળનું જોખમ
ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશની એક મોટાભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે. અલ નીનોને ભારતીય ચોમાસુ સાથે સીધો અને ઉલ્ટો સંબંધ છે. જ્યારે પણ અલ નીનો મજબૂત થાય ત્યારે ભારતમાં ચોમાસું નબળું પડે છે. આ વર્ષે વરસાદ ઓછો થવાની આશંકાના પગલે અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થાય તેવી ભીતિ છે.

સુપર અલ-નિનોના પગલે સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રીનો થઈ શકે છે વધારો
સુપર અલ નીનોની અસર ફક્ત ગરમી સુધી મર્યાદિત નથી પરંતુ આ એક ચેન રિએક્શનની જેમ કામ કરે છે. તેના પ્રભાવ આ પ્રકારે જોવા મળી શકે છે. ગ્લોબલ વોર્મિંગ પહેલેથી જ ધરતી ગરમ કરી રહી છે. સુપર અલ નીનો આ આગમાં ઘી હોમવાનું કામ કરશે. ભારતના અનેક ભાગો ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા અનેક ડિગ્રી વધુ જોવા મળી શકે. ભીષણ લૂ (હીટ વેવ)નો લાંબો દોર વધુ જીવલેણ બની શકે છે. પ્રશાંત મહાસાગરની નીચેના પાણીમાં ગરમી ઝડપથી વધી રહી છે. યુરોપીયન મોડલ અને અન્ય સંસ્થાનોના પૂર્વાનુમાન જણાવે છે કે મે-જુલાઈ 2026થી અલ નીનો ઉભરી શકે છે અને શિયાળા (2026-27) સુધી મજબૂત રહેશે. કેટલાક મોડલ ખુબ મજબૂત કે સુપર સ્તરનો સંકેત આપે છે. 2024 પહેલેથી રેકોર્ડ ગરમ વર્ષ હતું. મજબૂત અલ નીનો સાથે 2026 કે 2027 નવા રેકોર્ડ બનાવી શકે. કેટલાક અનુમાન કહે છે કે તાપમાન અસ્થાયી રીતે 1.5 ડિગ્રી કે તેનાથી વધુ પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી ઉપર જઈ શકે છે.