વિદેશમાં આશરો મેળવવા ગુજરાતીઓના ચિત્ર-વિચિત્ર બહાના

ભારતમાં પારિવારિક મતભેદો અને પ્રેમ સંબંધોમાં વિરોધનો સામનો કરી વિદેશ ગયેલા યુવા ગુજરાતીઓ માટે હવે લગ્નનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે શરણાર્થી દરજ્જો (અતુહીળ) મેળવવાનું એક નવું…

ભારતમાં પારિવારિક મતભેદો અને પ્રેમ સંબંધોમાં વિરોધનો સામનો કરી વિદેશ ગયેલા યુવા ગુજરાતીઓ માટે હવે લગ્નનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે શરણાર્થી દરજ્જો (અતુહીળ) મેળવવાનું એક નવું અને અણધાર્યું કારણ બની રહ્યો છે. યુકે (બ્રિટન), કેનેડા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના ઇમિગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ જબરદસ્તીથી લગ્ન કરાવવાના ડર, પારિવારિક હિંસા, આંતરજ્ઞાતિય સંબંધોમાં મળતી ધમકીઓ તેમજ સમલૈંગિક સંબંધોના વિરોધને મુખ્ય કારણ દર્શાવીને સુરક્ષા અને આશરો માગવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

નવેમ્બર 2025માં ગાંધીનગરની આશરે 30 વર્ષીય યુવતીને યુકેમાં આ આધાર પર રક્ષણ મંજૂર કરવામાં આવ્યું હતું. તેણીએ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે જો તેને ભારત પરત મોકલવામાં આવશે તો તેની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી લગ્ન કરવાનું દબાણ કરવામાં આવશે. આ યુવતી શરૂૂઆતમાં સ્ટુડન્ટ વિઝા પર યુરોપ ગઈ હતી અને ત્યાંથી યુકે પહોંચી હતી. આવી જ રીતે અન્ય એક કિસ્સામાં, અમદાવાદની એક યુવતીને કેનેડામાં એસાયલમ આપવામાં આવ્યું હતું, જેમાં તેણીએ જણાવ્યું હતું કે તે સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત છે અને ભારતમાં તેને પુરુષ સાથે જબરદસ્તી લગ્ન કરાવી દેવાનો ભય હતો.

આ સમગ્ર મામલો ખરેખર જરૂૂરિયાતમંદ લોકોના કાયદેસર રક્ષણ અને એસાયલમ પ્રક્રિયાના સંભવિત દુરુપયોગની વચ્ચે અટવાયેલો છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન નેટવર્કથી માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં કાયમી વસવાટ માટે કેટલાક યુવાનોને એજન્ટો દ્વારા પારિવારિક વિવાદોને ’ગંભીર સતામણી’ તરીકે રજૂ કરવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ભારતમાં માતા-પિતા સામે બનાવટી ઝઘડા ઊભા કરી એફઆઈઆર નોંધાવીને તેના આધારે વિદેશમાં પુરાવા રજૂ કરવામાં આવે છે.

બ્રિટિશ અને કેનેડિયન નિયમો અનુસાર, જબરદસ્તીથી લગ્ન અને ઘરેલું હિંસા રક્ષણ મૂલ્યાંકન હેઠળ આવે છે, પરંતુ સામાન્ય પારિવારિક મતભેદ કે નાખુશ સંબંધોને આધારે સીધો આશરો મળતો નથી. અરજદારે સાબિત કરવું પડે છે કે સ્વદેશ પરત ફરવાથી તેના જીવનને ગંભીર જોખમ છે અને સ્થાનિક પોલીસ કે તંત્ર તરફથી રક્ષણ ઉપલબ્ધ નથી. બંને દેશોના સત્તાવાળાઓએ એવી ચેતવણી પણ આપી છે કે શરણાર્થી પ્રક્રિયા એ ઇમિગ્રેશનનો વૈકલ્પિક શોર્ટકટ નથી અને જો ખોટી માહિતી કે બનાવટી દસ્તાવેજો પકડાશે તો અરજી રદ થવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.