જામનગરમાં વિધવાઓ 7 મહિનાથી પેન્શનથી વંચિત

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા સાત મહિનાથી હજારો વિધવા બહેનોને પેન્શન ન મળતાં તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દિવાળીના તહેવાર પૂર્વે બાકી રહેલા તમામ મહિનાનું…

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા સાત મહિનાથી હજારો વિધવા બહેનોને પેન્શન ન મળતાં તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દિવાળીના તહેવાર પૂર્વે બાકી રહેલા તમામ મહિનાનું પેન્શન એકસાથે ચૂકવવામાં આવે તેવી માગ સાથે વિધવા બહેનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને નિવાસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલી યુવાન મહિલાઓથી લઈને 85 વર્ષની વયની વયોવૃદ્ધ વિધવા બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી. પેન્શનના લાંબા સમયથી અટકેલા ચૂકવણા સામે રોષ વ્યક્ત કરતાં બહેનોએ ‘વિધવા પેન્શન નહીં તો બોનસ નહીં’ના નારા લગાવ્યા હતા. દિવાળી પહેલાં ગરીબ અને નિરાધાર મહિલાઓને તેમના હકની રકમ મળી રહે તેવી માગણી કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, પેન્શન મેળવવા માટે યુવાનથી લઈને વયોવૃદ્ધ વિધવા બહેનો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી છે, છતાં તેમને સંતોષકારક જવાબ મળતો નથી. કેટલીક કચેરીઓમાંથી દિવાળી બાદ પેન્શન ચૂકવવામાં આવશે તેવો અસ્પષ્ટ જવાબ આપવામાં આવતો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું.

ઘણી વિધવા મહિલાઓ માટે પેન્શન જ આજીવિકાનો એકમાત્ર આધાર હોવાથી સાત મહિનાથી નાણાં ન મળતાં તેમની સ્થિતિ અત્યંત કફોડી બની છે. જો દિવાળી પહેલાં બાકી રહેલા તમામ મહિનાનું પેન્શન એકસાથે ચૂકવવામાં આવે તો આર્થિક રીતે નબળા પરિવારો તહેવારની ઉજવણી કરી શકે તેમ છે. આથી સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી બાકી પેન્શન ચૂકવવાની માગ કરવામાં આવી હતી.

વિધવા બહેનોની રજૂઆત સાંભળ્યા બાદ નિવાસી નાયબ કલેક્ટર વિમલ ચૌધરીએ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તેમણે જરૂૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક સપ્તાહનો સમય માગ્યો હતો અને આગામી અઠવાડિયે ફરી આ મુદ્દે ફોલોઅપ લેવા જણાવ્યું હતું. બાકી રહેલા તમામ મહિનાનું પેન્શન એકસાથે ચૂકવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હોવાનું રજૂઆતકારોએ જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને રજૂઆત કાર્યક્રમનું નેતૃત્વ પૂર્વ કોર્પોરેટર તથા કોંગ્રેસ સેવાદળનાં પ્રભારી રચનાબેન નંદાણિયાએ કર્યું હતું. હવે દિવાળી પહેલાં બાકી પેન્શનની રકમ ચૂકવવા અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર વિધવા બહેનોની નજર મંડાઈ છે.