ગીર સોમનાથ જીલ્લામાં ગત વર્ષ 1319 એમ.એમ. વરસાદ નોંધાયો હતો જેની સામે આ વર્ષે માત્ર 650 એમ.એમ. વરસાદ નોંધાયો છે એટલે 50 ટકા જ વરસાદ નોંધયો છે. એક તરફ ડેમોમાં ઘટતો જળ જથ્થો અને બીજી તરફ ભૂગર્ભ જળસ્તર નીચે જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચોમાસુ પાકને માંડ-માંડ ચાર થી પાંચ પિયત આપ્યા બાદ અનેક વિસ્તારોમાં કૂવાના પાણી ઘટી રહ્યા છે. પરિણામે શિયાળુ પાકને પૂરતું પાણી મળશે કે નહીં તે અંગે ચિંતા ની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઉનાળુ વાવેતર સામે અત્યારથી જ જળસંકટ ના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ, ચોમાસાની શરૂૂઆતમાં સારો વરસાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પૂરતો વરસાદ ન પડતાં ભૂગર્ભ જળસ્તર પર અસર થઈ છે. કેટલીક જગ્યાએ 200 થી 250 ફૂટ ઊંડા કૂવામાંથી પણ માંડ એક કલાક જેટલું પાણી મળી રહ્યું છે. મગફળી જેવા પાક માં ચાર થી પાંચ પિયત આપ્યા બાદ હવે પાણીની અછત વર્તાઈ રહી છે. આવી સ્થિતિમાં શિયાળુ પાકનું વાવેતર અને તેને જરૂૂરી પિયત આપવું મુશ્કેલ બની શકે છે.
આ વર્ષે શરૂૂઆતમાં આશરે 26 ઇંચ વરસાદ નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ વચગાળા માં માત્ર ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખેડૂતોની માંગ છે કે આસપાસના ડેમોમાં ઉપલબ્ધ પાણીમાંથી શક્ય તેટલો જથ્થો સિંચાઈ માટે છોડવામાં આવે, જેથી પાકને બચાવી શકાય અને આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા પણ ન સર્જાય.
સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અભિષેક રવૈયા ના જણાવ્યા મુજબ, હાલ હિરણ-1 ડેમમાં 29.94 ટકા, હિરણ-2 માં 27.74 ટકા અને સિંગોડા ડેમમાં 40.80 ટકા જળજથ્થો ઉપલબ્ધ છે. ઉના તાલુકાના રાવલ ડેમમાં આશરે 94 ટકા અને મચ્છુન્દ્રી ડેમમાં 50 ટકા જેટલો પાણીનો જથ્થો છે.
વિભાગના અંદાજ મુજબ, હિરણ-1 અને સિંગોડા સહિતના કેટલાક જળાશયોમાં માર્ચ સુધી પાણી ઉપલબ્ધ રહી શકે છે, જ્યારે હિરણ-2 ડેમ માં હાલની સ્થિતિએ ફેબ્રુઆરીના અંત સુધીમાં પાણીનો જથ્થો ખૂટી જવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાના પાણી અને સિંચાઈ માટે સૌની યોજના મારફતે પાણી મેળવવાની દરખાસ્ત કરવામાં આવી છે. જરૂૂરી મંજૂરીઓ મળ્યા બાદ વિસાવદર તરફથી હિરણ-1 સુધીની લાઇન મારફતે હિરણ-2 માં પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા હોવાનું જાણવા મળેલ છે.
