મવડી પ્લોટના ખેડૂતની શાપરની જમીન ભાજપ અગ્રણીએ પચાવી પાડી

રાજકોટના મવડી રોડ પર આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા અને મૂળ વેરાવળના વતની એવા ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટની માલિકીની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર તેમના જ…

રાજકોટના મવડી રોડ પર આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા અને મૂળ વેરાવળના વતની એવા ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટની માલિકીની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર તેમના જ પરિવારના 6 કૌટુંબિક શખ્સોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો.

જીલ્લા ભાજપ અગ્રણી એવા આ ભૂમાફિયાઓએ જમીન હડપી લેવા માટે માત્ર ગેરકાયદે બાંધકામ જ નહોતું કર્યું, પરંતુ વર્ષો સુધી તેમાંથી લાખો રૂૂપિયાની કમાણી કરવાનું મોટું કૌભાંડ આચર્યું હોવાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ખેડૂતે જીલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા અરજી કરી પણ ભાજપ આગેવાન સામે ગુનો નોંધવાને બદલે જીલ્લા કલેકટર દ્વારા અરજી ફગાવી દેવામાં આવતા ખેડૂતે કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે ગુનો નોધવા હુકમ કરતા અંગ્તે આ મામલે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મવડી પ્લોટની અલ્કા સોસાયટીમાં રહેતા ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટની ફરિયાદને આધારે હિતેશભાઈ વાલજીભાઈ કોરાટ. (રહે. વેરાવળ, તા. કોટડાસાંગાણી), ઘનશ્યામભાઈ વાલજીભાઈ કોરાટ (રહે. વેરાવળ, તા. કોટડાસાંગાણી) અશોકભાઈ જાદવભાઈ કોરાટ (મદદગારી કરનાર) , મદદગારી કરનાર કિશોરભાઈ જાદવભાઈ કોરાટ જગદીશભાઈ નથુભાઈ કોરાટ અને નરોત્તમ નથુભાઇ કોરાટનું નામ આપ્યું છે. જેની સામે લેન્ડગ્રેબિંગના ગુનો નોંધાયો છે. તેમાં હિતેશ કોરાટના પિતા વાલજીભાઇ ભાજપ અગ્રણી હતા. હાલ આરોપી હિતેશ કોરાટના પત્ની વિજયાબેન કોરાટ શાપર તાલુકા પંચાયતના ચાલુ સભ્ય હોવાનું અને હિતેશ કોરાટ પોતે પણ ભાજપ અગ્રણી હોવાનું જાણવા મળ્યું છે.

હિમાંશુભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ માલિકીની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર તેમના જ પરિવારના કૌટુંબિક ભાઈઓ સહીત 6 શખ્સોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો અને હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ ખેડૂતના ખેતી માટેના પાણીના બોર પર પણ બળજબરીપૂર્વક કબજો મેળવી લીધો હતો. આ બોરના પાણીના ગેરકાયદેસર ટેન્કરો ભરીને શાપરના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં કોઈપણ પ્રકારના કોમર્શિયલ લાયસન્સ વગર વેચવામાં આવતા હતા. આ કાળાબજારમાંથી આરોપીઓ માસિક રૂૂપિયા 25,000 થી 30,000 જેવી મોટી રકમની ગેરકાયદેસર આવક મેળવતા હતા.

આટલું જ નહીં, આરોપીઓએ આ જમીન પર ગેરકાયદેસર ઓરડીઓનું નિર્માણ કરીને શ્રમિકોને ભાડે આપી દીધી હતી, જેમાંથી વાર્ષિક લાખો રૂૂપિયાનું ભાડું ઉઘરાવી પોતાના અંગત સ્વાર્થ માટે વાપરતા હતા. જ્યારે અસલી માલિક પોતાની જમીનની મુલાકાતે જતા અથવા પોતાનો હક માંગવા જતા, ત્યારે આ ગેંગ દ્વારા તેમના પર પથ્થરમારો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપીને ભગાડી દેવામાં આવતા હતા. જ્યારે મૂળ માલિક હિમાંશુભાઈએ પોતાની આ કિંમતી જમીનને બિનખેતી કરાવવા માટે કલેક્ટર કચેરીમાં કાયદેસરની પ્રક્રિયા શરૂૂ કરી, ત્યારે આ શાતિર ગેંગે મામલતદાર અને કલેક્ટર સમક્ષ ખોટા અને બનાવટી સોગંદનામા રજૂ કર્યા હતા.

કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે જાણી જોઈને કૌટુંબિક પ્રશ્નો ઊભા કર્યા હતા. જેથી જમીનની પ્રક્રિયા અટકી પડે. જોકે, આ બાબતે જ્યારે વિજિલન્સની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આરોપીઓએ ત્યાં ગેરકાયદેસર રીતે લાઈટ કનેક્શન પણ મેળવી લીધા હતા. આ વીજચોરી અને ગેરકાયદે કનેક્શન બદલ પીજીવીસીએલ દ્વારા તેમને અંદાજે રૂૂપિયા 34,400 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, ભૂમાફિયાઓના સતત ત્રાસ, ધમકીઓ અને વહીવટી તંત્રમાં કરાયેલી ખોટી રજૂઆતોથી કંટાળીને આખરે લાચાર ખેડૂતે ન્યાય મેળવવા માટે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.

રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. કોર્ટે તમામ દસ્તાવેજો, પુરાવાઓ અને વિજિલન્સ અહેવાલની ઝીણવટભરી તપાસ કરીને આ મામલે તત્કાલિક અસરથી કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ કડક આદેશ બાદ શાપર-વેરાવળ પોલીસે તુરંત જ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ (લેન્ડ ગ્રેબિંગ) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો દોર હાથ ધર્યો છે.