‘તારી દીકરી પોલીસમાં છે તો શું થયું, આજે તને પતાવ દઉં’ કહી પ્રૌઢાને માર મારી ધમકી

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા પ્રૌઢા પાડોશીના ઘરે બેઠા હતાં ત્યારે તેજ વિસ્તારમાં રહેતા શખ્સે ઘરમાં ઘુસી ‘તારી દીકરી પોલીસમાં છે તો શું થયું, આજે તને…

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા પ્રૌઢા પાડોશીના ઘરે બેઠા હતાં ત્યારે તેજ વિસ્તારમાં રહેતા શખ્સે ઘરમાં ઘુસી ‘તારી દીકરી પોલીસમાં છે તો શું થયું, આજે તને પતાવ દઉ’ તેમ કહી માર મારી માથામાં પથ્થર ઝીંકી દીધો હતો અને મોબાઈલનો ઘા કરી તોડી નાંખ્યો હતો. આ અંગે પ્રૌઢાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા ઝરીનાબેન ઠેબા તેમના પાડોશમાં રહેતા હમીદાબેન કાજીના ઘરે અન્ય મહિલાઓ સાથે બેઠા હતા, ત્યારે આરોપી અરબાઝ ત્યાં ધસી આવ્યો હતો અને બોલાચાલી શરૂૂ કરી હતી. આરોપીને તેની માસી રસીદાબેન ફરિયાદી સાથે સંબંધ રાખે તે પસંદ ન હોવાથી આ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી અરબાઝે ઘરમાં પ્રવેશ કરી ગાળાગાળી કરી હતી અને ફરિયાદીના હાથમાં રહેલો અંદાજે રૂૂ. 12,000 ની કિંમતનો મોબાઈલ ઝૂંટવી દીવાલ પર મારીને તોડી નાખ્યો હતો.

એટલું જ નહીં, આરોપીએ વૃદ્ધાને ધમકી આપતા કહ્યું હતું કે, “તારી દીકરી પોલીસમાં છે તો શું થઈ ગયું, આજે તને પતાવી દઉં છું”. જ્યારે મહિલાઓએ તેને ઘરની બહાર કાઢ્યો, ત્યારે તે દીવાલ ઠેકીને ફરી અંદર આવ્યો હતો અને વૃદ્ધાના માથાના ડાબા ભાગે પથ્થરનો જોરદાર ઘા મારી લોહીલુહાણ કરી દીધા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.