મવડીમાં ઝઘડો જોવા ગયેલા યુવાનને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંક્યા

રાજકોટના મવડી હેડ ક્વાર્ટર પાસે આવેલા પાવર હાઉસ નજીક સાંજના સમયે એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક નિર્દોષ શ્રમિક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો…

રાજકોટના મવડી હેડ ક્વાર્ટર પાસે આવેલા પાવર હાઉસ નજીક સાંજના સમયે એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક નિર્દોષ શ્રમિક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારત નગર વિસ્તારમાં રહેતા અને મૂળ ઓડિશાના વતની કવિરાજ બિનિયા (ઉંમર વર્ષ 27) નામના યુવાન પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. કવિરાજ વ્યવસાયે સેન્ટીંગ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

બનાવની વિગત મુજબ, ગઈકાલે સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં કવિરાજ મવડી હેડ ક્વાર્ટર નજીક પાવર હાઉસ પાસે બેઠો હતો, ત્યારે નજીકમાં કોઈ બાબતે ઝઘડો થઈ રહ્યો હતો. કુતૂહલવશ આ ઝઘડો જોવા ગયેલા કવિરાજ પર અચાનક જ અજાણ્યા શખ્સો તૂટી પડ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા.

હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવાન માત્ર ઝઘડો જોવા ગયો હતો અને હુમલાખોરો સાથે તેને કોઈ સીધી દુશ્મનાવટ નહોતી. હાલમાં તાલુકા પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.