ભાજપે પૈસાના કોથળાથી કંપનીની રાજનીતિ કરી, કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રહાર

ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું…

ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અંગ્રેજો આજે પણ દેશમાં હોત તો અમનુ શાસન સલામત ન રહેતું. દેશની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ પર સતત પ્રહાર થઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં અસંતોષ વધી રહ્યો છે.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપે પૈસાના કોથળાના જોરે કંપની જેવી રાજનીતિ શરૂૂ કરી છે અને સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ હંમેશા સામાન્ય લોકોના હકો માટે લડી છે અને આગળ પણ લડત ચાલુ રાખશે.

તેમણે કહ્યું હતું કે દેશના યુવાનો, ખેડૂતો, વેપારીઓ અને મધ્યમ વર્ગ આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસ જનતાના પ્રશ્નોને લઈ રસ્તા પર ઉતરીને લડત આપશે.કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા કોંગ્રેસમાં નવી ઊર્જાનો સંચાર જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંગઠન મજબૂત બનાવવા તેમજ આગામી રાજકીય વ્યૂહરચના અંગે પણ ચર્ચાઓ થઈ હતી.