સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઇન તૂટતા પાણીની રેલમછેલ

સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ નજીક પસાર થતી ફાયર સેફ્ટીની મુખ્ય પાઇપલાઇન અચાનક તૂટી જતાં ક્ષણભરમાં જ આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. પાઇપલાઇનમાં…

સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ નજીક પસાર થતી ફાયર સેફ્ટીની મુખ્ય પાઇપલાઇન અચાનક તૂટી જતાં ક્ષણભરમાં જ આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. પાઇપલાઇનમાં ભારે પ્રેશર હોવાને કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જેના કારણે ઈમરજન્સી વોર્ડ અને હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યા હતા. ગંભીર હાલતમાં સારવાર માટે આવતા દર્દીઓ, એમ્બ્યુલન્સની અવરજવર અને દર્દીના સગા-સંબંધીઓ માટે આ પરિસ્થિતિ અત્યંત મુશ્કેલીજનક બની રહી હતી. સ્ટ્રેચર અને વ્હીલચેર પર દર્દીઓને હોસ્પિટલની અંદર લઈ જતી વખતે પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી.

જવાબદારોએ તૂટેલી લાઇનને કાયમી ધોરણે રિપેર કરવાને બદલે માત્ર કપડૂં વીટી પાણી રોકવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો હતો. તંત્રના આ અણઘડ વહિવટને કારણે તબીબી ક્ષેત્રે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે. ફાયર સેફ્ટી જેવી અત્યંત મહત્વની સિસ્ટમમાં જ આ પ્રકારની બેદરકારી જોવા મળે તે સુરક્ષા સામે પણ મોટા સવાલો ઉભા કરે છે. જો ફાયર લાઇનમાં યોગ્ય પ્રેશર જળવાય નહીં કે આ પ્રકારે લીકેજ રહે, તો ભવિષ્યમાં કોઈ અગ્નિશામક કટોકટી વખતે મોટી હોનારત સર્જાઈ શકે છે. દર્દીઓ અને સ્થાનિકોએ આ અંગે ત્વરિત યોગ્ય અને કાયમી રિપેરિંગ કામગીરી કરવાની માંગ કરી છે.