મોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવી

મોરબીમાં રહેતી પરિણીતા શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ મહિલાને માર મારી સોનાના દાણાની લુંટ ચલાવી હતી. જ્યારે પગમાં પહેરેલા સાંકળાની લુંટ કરે…

મોરબીમાં રહેતી પરિણીતા શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ મહિલાને માર મારી સોનાના દાણાની લુંટ ચલાવી હતી. જ્યારે પગમાં પહેરેલા સાંકળાની લુંટ કરે તે પૂર્વે જ લોકો એકઠા થઈ જતાં બન્ને લુંટારૂ નાસી છુટયા હતાં. મારામારીમાં ઘવાયેલી પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં આવેલા નવાપરા કાલીકા પ્લોટમાં રહેતી દિલાબેન ભરતભાઈ પરમાર નામની 25 વર્ષની પરિણીતા સવારના નવેક વાગ્યાના અરસામાં મોરબી રેલવે સ્ટેશન હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી રેલવે પોલીસને જાણ કરતાં મોરબી રેલવે પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં દિલાબેન પરમાર શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કરી માર માર્યો હતો. દિલાબેન પરમારને ઈજા પહોંચતાં ઢળી પડી હતી તે દરમિયાન બન્ને શખ્સોએ દિલાબેનના નાકમાંથી સોનાનો દાણો કાઢી લીધો હતો અને પગમાં પહેરેલા ચાંદીના સાંકળા કાઢવા જતાં દિલાબેને બુમાબુમ કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં. જેને પગલે બન્ને લુંટારૂ નાસી છુટયા હતાં. લુંટની ઘટનાના આક્ષેપથી મોરબી રેલવે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.