રાજકોટમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત: નિવૃત્ત PSI સહિત ત્રણના મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ રાજકોટ પંથકમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ, કલર કામની સાઈટ…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ રાજકોટ પંથકમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ, કલર કામની સાઈટ પર રાજસ્થાની કારીગર અને પીપલાણા ગામે આધેડનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા રેલનગરમાં રહેતાં નિવૃત્ત પીએસઆઈ ક્રિપાલસિંહ જીવુભા જાડેજા નામના 62 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતાં ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામાં બે ભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી ક્રિપાલસિંહ જાડેજાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક ક્રિપાલસિંહ જાડેજા ચાર ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ક્રિપાલસિંહ જાડેજા રાજકોટમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતાં અને 2023માં જ નિવૃત્ત થયા હતાં.

બીજા બનાવમાં મુળ રાજસ્થાનના વતની અને હાલ રાજકોટમાં રૈયા રોડ પર આવેલી શિવપરા સોસાયટીમાં રહેતાં ગેનારામ સદારામ ચૌધરી (ઉ.વ.59) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે હાર્ટએટેક આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વૃધ્ધ ચાર ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મૃતક વૃધ્ધ કલર કામની સાઈટ પર માપ લેવાનું કામ કરતાં હતાં.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં કોટડાસાંગાણીના પીપલાણા ગામે રહેતાં હંસરાજભાઈ લવજીભાઈ બાવરીયા નામના 53 વર્ષના આધેડ પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પરજ પરના તબીબે આધેડનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક આધેડને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને અંગે વધુ તપાસ હાથ ધરી છે.