ખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા બે સગાભાઇના મોત

બોટાદ જિલ્લાના બરવાળાથી નાવડા રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા…

બોટાદ જિલ્લાના બરવાળાથી નાવડા રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક રોડ નીચે ઉતરી ખાળિયામાં પલટી મારી ગયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં ટ્રક પર સવાર બે શ્રમિકોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી વિગતો અનુસાર, સિમેન્ટ ખાલી કરવા માટે મજૂરો ટ્રકની ઉપર બેઠા હતા. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક પલટી મારી ગયો હતો, જેના કારણે ઉપર બેઠેલા શ્રમિકો સિમેન્ટની ભારેખમ થેલીઓ અને ટ્રક નીચે દબાઈ ગયા હતા. સ્થાનિકોની મદદથી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ બે સગા ભાઈઓ બાબુભાઈ હરજીભાઈ સારોલા (ઉંમર આશરે 40 વર્ષ) અને રમેશભાઈ હરજીભાઈ સારોલા (ઉંમર આશરે 50 વર્ષ)નું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરો પૈકી સંજયભાઈ ગીધાભાઈ અને વિજયભાઈ ગીધાભાઈને વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મફાભાઈ ગોવિંદભાઈ મકવાણાને બરવાળા ખાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. દુર્ઘટના સર્જાયા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ફરાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.