Site icon Gujarat Mirror

દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં ખંભાળિયાના બે શખ્સો ઝબ્બે

– ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવાયું –

યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ ખંભાળિયાના વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસે ઘટના સ્થળે આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.

સમગ્ર દ્વારકા પંથકમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ગત તારીખ 3 ફેબ્રુઆરી 2026 ના રોજ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આના અનુસંધાને દ્વારકા પોલીસ મથકમાં ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ વિગેરે હેઠળ નોંધાયેલી ફરિયાદના અનુસંધાને પોલીસે મુખ્ય આરોપી જાવેદ બાબીની અટકાયત કરી, તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં ખંભાળિયાના પઠાણ પાડો વિસ્તારમાં રહેતા ફારુક યુસુફ બાબી અને ઇન્દ્રિશ સલીમ બાબી નામના બે શખ્સોની સંડોવણી હોવાનું પણ ખુલતા પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની ધરપકડ કરી હતી.
આ પછી મંગળવારે સાંજે ખંભાળિયામાં જે સ્થળે ગૌવંશનું કતલ કરવામાં આવ્યું હતું, તે સ્થળે એલસીબી પોલીસે જાપ્તા સાથે આરોપીઓને લઈ જઈ અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓ ગૌવંશની હત્યા તેમજ માંસ વેચવાનું કામ કરતા હોવાનું પ્રાથમિક રીતે પોલીસના ધ્યાને આવ્યું છે. પંચનામા દરમિયાન આ સ્થળેથી કતલ માટે ઉપયોગમાં લેવામાં આવેલા છરા, છરી, કોઈતા વિગેરે જેવા હથિયારો પણ એફ.એસ.એલ. વિભાગની ઉપસ્થિતિમાં કબજે કરવામાં આવ્યા હતા.

Exit mobile version