નવા રિંગ રોડ ઉપર મોડી સાંજે અકસ્માત, દબાઈ ગયેલા બે શ્રમિકોને બચાવવા ચાર કલાક ઓપરેશન ચાલ્યુ
રૂડા વિસ્તારમાં ભાંગી પડેલા મુખ્ય રોડના કારણે વાહનચાલકોનો લેવાતો ભોગ, લોકોમાં ભારે રોષ
રાજકોટમાં રૂડા વિસ્તારમાં આવેલા નવા રીંગ રોડ ઉપર ખાડાના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યાં છે ત્યારે વધુ એક ઘટનામાં પડધરીથી ગોંડલ તરફ જતી ક્ધટેનર ખાડાના કારણે ઉલળીને પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જે ક્ધટેનરમાં સવાર બે યુવકના મોત નિપજ્યા હતાં. જ્યારે શ્રમિક સાળા બનેવીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતાં અને પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે પાંચ કલાક સુધી રેસ્કયુ કરી બચાવ કામગીરી હાથ ધરી હતી. નવા રીંગ રોડ પર ખાડાના કારણે સર્જાઈ રહેલા જીવલેણ અકસ્માતના પગલે લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના હડમતીયા ગામે રેલવે સ્ટેશન પાસેથી ગોંડલ જઈ રહેલું ટાટા ક્ધટેનર જી.જે.3 બી.ઝેડ 8887 રાજકોટમાં નવા રીંગ રોડ ઉપર કોરાટ ચોક નજીક પહોંચતાં ક્ધટેનરના ચાલક ઉર્વિશ સંજયભાઈ રૂદાતલાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી ક્ધટેનર પલ્ટી મારી જતાં રોડ પર ખેતર પાસે ગોથુ મારી ગયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં અને ક્ધટેનરની કેબીનમાં બેઠેલા ડ્રાઈવર ઉર્વિશ રૂદાતલા, દિલીપ આદીવાસી અને સાહીલભાઈ કેબીનમાંથી નીચે ઉતરી તાત્કાલીક બહાર આવ્યા હતાં અને ક્ધટેનરમાં મુન્નાભાઈ આદીવાસી તેના સાળા પપ્પુભાઈ આદીવાસી અને ભાણેજ સુરેન્દર અને અજય બેઠા હોવાનું જણાવતાં લોકોએ તાત્કાલીક મદદ કરી હતી અને ઘટના અંગે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ક્ધટેનરમાં રહેલ ડ્રીલીંગ મશીન અને પાઈપ નીચે સુરેન્દર અને અજય દબાઈ ગયા હતાં. જ્યારે મુન્નાભાઈ આદીવાસી અને પપ્પુભાઈને સામાન્ય ઈજા પહોંચતાં ઘટના સ્થળે હાજર લોકોએ બન્નેઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. જ્યારે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તેમજ એકઠા થયેલા લોકોએ પાંચ કલાક સુધી રેસ્કયુ હાથ ધર્યુ હતું અને ડ્રીલીંગ મશીન અને પાઈપ નીચે ફસાઈ ગયેલા સુરેન્દર અને અજયને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી બન્ને યુવકને નિષ્પ્રાણ જાહેર કરતાં શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે શાપર પોલીસે ક્ધટેનર ચાલક ઉર્વિશ રૂદાતલા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તપાસનો દોર લંબાવ્યો છે.

