નશાના કારોબાર ઉપર એસઓજીનો મોટો પ્રહાર, મેફેડ્રોન ડ્રગ્સ સાથે જ કુખ્યાત શખ્સો ઝડપાયા

શહેરમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે કાર્યરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને એક મોટી સફળતા સાંપડી છે. શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ગોઠવવામાં આવેલી વોચ…

શહેરમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે કાર્યરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને એક મોટી સફળતા સાંપડી છે. શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ગોઠવવામાં આવેલી વોચ દરમિયાન, એસઓજીની ટીમે નવાગામ-બામણબોર જવાના રસ્તા પાસે આવેલી એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામેથી સ્વિફ્ટ કારમાં રાજસ્થાનના સંચોરથી 17.250 ગ્રામ પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઇ આવતા અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા ચાર નામચીન શખ્સ સહીત ચાર શખ્સોને ઝડપી લઇ રૂૂ.5.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો અનુસાર, પકડાયેલા ચારેય શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પકડાયેલા આરોપીઓમાં વિનય રાજુ ઉકેડીયા (ઉં.વ. 27, રહે. મનહરપુર-1), હિતેશ ઉર્ફે હિતો સુનીલ ધામેલીયા (ઉં.વ. 25, રહે. રૈયાધાર સ્લમ ક્વાર્ટર), ભવદીપ ઉર્ફે હાંડો પરેશ ડાભી (ઉં.વ. 24, રહે. રૈયાધાર) અને વિશાલ રાજુભાઈ ગોહિલ (ઉં.વ. 21, રહે. મનહરપુર-1) નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આરોપી હિતેશ એ નામચીન ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાનો પુત્ર છે. એસઓજીના પીઆઈ એન.બી. ચૌધરી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપીઓ ડ્રગ્સનો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા ચારેય આરોપીઓ રાજસ્થાન ફરવા ગયા હતા, જ્યાં સાંચોર નજીક આવેલા એક મહાદેવ ગેસ્ટ હાઉસમાંથી રાજસ્થાનના સપ્લાયર પાસેથી તેમણે આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો. આ જથ્થો તેઓ પોતાના વ્યક્તિગત વપરાશ તેમજ રાજકોટમાં વેચવાના ઈરાદાથી લાવ્યા હતા.

આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ અત્યંત ચોંકાવનારો છે. આરોપી વિનય વિરુદ્ધ અગાઉ ખૂન, દારૂૂ અને મારામારી સહિતના કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી હિતેશ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને એનડીપીએસ સહિત 6 ગુના, ભવદીપ વિરુદ્ધ દારૂૂ અને મારામારીના 18 ગુના તથા વિશાલ વિરુદ્ધ મારામારી અને દારૂૂના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સો અગાઉ કેટલી વખત રાજસ્થાનથી કે અન્ય સ્થળોએથી ડ્રગ્સ લાવી ચૂક્યા છે અને રાજકોટમાં કોને-કોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ તેજ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમીશ્નર ચૈનાત્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પી.આઈ એન.બી.ચૌધરી તથા પીએસ.આઈ એમ.વી.જાડેજા એ.એસ.આઇ, અરૂૂણભાઇ, હરદેવસિંહ, યોગરાજસિંહ, મહાવીરસિંહ, અમરદીપસિંહ, અનોપસિંહ, ધ્રુવરાજસિંહ, વિરભદ્રસિંહ, અજયસિંહ, હરદેવસિંહ તથા ડ્રાઇવર નરપતસિંહ જાડેજા, નિર્મળસિંહે કામગીરી કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ અભિપ્રાય આપ્યો હતો.